- માંડવી વિસ્તારમાં આવેલ ખત્રી પોળમાં રહેતા પાર્થસારથી જોશી 19 નવેમ્બરે વડોદરાથી ટ્રેન મારફતે દેહરાદુન જવા નીકળ્યાં હતાં, મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ વડોદરા ખાતે લવાશે
ઉત્તરાખંડના ટિહરીમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં પડી જતાં પાંચ લોકોનાં મોત થયાં છે. ટિહરીના પોલીસ અધીક્ષક આયુષ અગ્રવાલે અકસ્માતની પુષ્ટિ કરી છે. આ આખી ઘટનામાં 17થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી સાતની હાલત ગંભીર છે. મૃતકોમાં દિલ્હી, ગુજરાત, યુપી અને બેંગલુરુના લોકોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં વડોદરાના મુસાફરનું પણ મોત થયું છે.

વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલ ખત્રી પોળમાં રહેતા પાર્થસારથી મધુસુદન જોશી (ઉંમર વર્ષ 60)નું આ દુઃખદ ઘટનામાં મોત નીપજ્યું છે. આ ઘટના અંગેના દુઃખદ સમાચાર મળતા ત્રણે બહેનો પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તેઓના પરિવારમાં એકમાત્ર ભાઈ સહારો હતો. આજે ત્રણ બહેનોએ પોતાનો ભાઈ ખોયો છે ત્યારે તેઓ પોતાના ભાઈના આ મોતના સમાચારથી માનવા તૈયાર નથી કે તેઓનો ભાઈ હવે આ દુનિયામાં નથી.

હાલમાં આ સમગ્ર ઘટના અંગે વડોદરા કલેક્ટર તંત્ર દ્વારા પરિવારમાં જાણ કરવામાં આવી છે. તેઓના મૃતદેહને વતન વડોદરા લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ વડોદરા ખાતે લાવવામાં આવશે. આવતીકાલે મોડી સાંજે કે પરમ દિવસે પાર્થ સારથી મધુસુદન જોશીનો મૃતદેહ વડોદરા આવી શકે છે.
વડોદરા શહેરના ખત્રી પોળમાં બનેલી ઘટનાને લઇ વડોદરા પૂર્વ મામલતદાર અલ્પેશ જોશીએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડમાં બનેલી માર્ગ અકસ્માતની ઘટનામાં વડોદરાના પાર્થ સારથી મધુસુદન જોશીનું દુઃખદ અવસાન થયું છે. તેઓ ચાર પાંચ દિવસ પહેલા ગયા હતા અને બીજી તારીખે પરત આવવાના હતાં. તેઓના ઘરે ત્રણ બહેનો છે. તેઓના મૃતદેહ અંગેની વિગતો આપીશું. મૃતદેહ ત્યાંથી નિકળે પછી આ બાબતે ખબર પડશે.

પાર્થ સારથી જોશી 19 નવેમ્બરે વડોદરાથી ટ્રેન મારફતે દેહરાદુન જવા નીકળ્યાં હતાં. 1 ડિસેમ્બરે પાર્થ સારથી જોશી વડોદરા પરત આવવાનાં હતાં. વડોદરાથી મથુરા અને મથુરાથી દેહરાદૂન ટ્રેન મારફતે પહોંચ્યા હતાં. ઋષિકેશમાં શિબિરમાં ભાગ લેવા ગયા હતાં.


