એમ.એસ.યુનિવર્સિટીમાં એફવાયબીકોમના એન્ટ્રન્સ ટેસ્ટની તારીખ પાછી ઠેલાઇ, નવી તારીખો જાહેર

ધોરણ-12ના પરિણામ જાહેર થયા બાદ એન્ટ્રન્સ ટેસ્ટની તારીખમાં ફેરફાર કરાયો

MailVadodara.com - FYBCom-entrance-test-date-postponed-at-MS-University-new-dates-announced

- ચં.ચી. મહેતા ઓડિટોરિયમમાં જીકાસ દ્વારા તા.૬, ૭ અને ૧૧મેના રોજ અવેરનેસ પ્રોગ્રામ યોજાશે, વાલીઓ અને વિદ્યાર્થીઓને પ્રવેશ માટે માર્ગદર્શન પણ અપાશે

- ૨૦ મે સુધી પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાશે, ૨૩ મેના રોજ સવારે ૧૦થી ૧૨ દરમિયાન મોક ટેસ્ટ અને ૨૬ મેના રોજ ઓનલાઈન મોડથી સવારે ૧૦ થી ૧૨ વચ્ચે પ્રવેશ પરીક્ષા લેવાશે

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધો.૧૨ના પરિણામ બાદ જિકાસ પોર્ટલ પર પ્રવેશ માટે વિદ્યાર્થીઓનું તા.૭મેથી રજિસ્ટ્રેશન શરુ થવાનું હોવાથી એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીએ એફવાયબીકોમના એન્ટ્રન્સ ટેસ્ટની તારીખ પાછી ઠેલી છે.

કોમર્સ ફેકલ્ટી ડીન પ્રો.પ્રજ્ઞોશ શાહે કહ્યું હતું કે, એન્ટ્રન્સ ટેસ્ટ માટે એમ.એસ.યુનિવર્સિટીના અને જીકાસના પોર્ટલ પર રજિસ્ટ્રેશન જરુરી છે. વિદ્યાર્થીઓ હવે તા.૨૦ મે સુધી પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે. તા.૨૩ મેના રોજ સવારે ૧૦ થી ૧૨ દરમિયાન મોક ટેસ્ટ યોજાશે.તા.૨૬ મેના રોજ ઓનલાઈન મોડથી સવારે ૧૦ થી ૧૨ વચ્ચે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. મેરિટ લિસ્ટની તારીખ એન્ટ્રન્સ ટેસ્ટના દિવસે જાહેર કરાશે. તા.૨ જૂનના રોજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. આ માટે વિદ્યાર્થીઓએ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ફોટા સાથે હાજર રહેવાનું રહેશે. આ માટેનું શિડયુલ યુનિવર્સિટીના પોર્ટલ પર પ્રસિધ્ધ કરાશે. જેમાં કયા ડોક્યુમેન્ટ સાથે આવવાનું તેની જાણકારી પણ હશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, વિદ્યાર્થીઓએ વેરિફિકેશન સમયે જ સેમેસ્ટર એક અને બે માટેના માઈનોર વિષયની પસંદગી કરવી ફરજિયાત રહેશે.ફી પણ તે જ સમયે જમા કરાવવાની રહેશે.વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલી ના પડે તે માટે કોમર્સ ફેકલ્ટીના મેઈન બિલ્ડિંગ ખાતે તા.૭ મેથી સવારે ૧૦-૩૦ થી ૩-૩૦ દરમિયાન હેલ્પ સેન્ટર શરુ કરવામાં આવશે.જ્યાં વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માટે પણ મદદ કરાશે.

ઉલ્લેખનીય છે કે, જીકાસ (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) દ્વારા પણ વડોદરા સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરવા સહિતની જાણકારી આપવા માટે અવેરનેસ પ્રોગ્રામ યોજવાનું નક્કી કરાયું છે. જેના ભાગરુપે એમ.એસ.યુનિવર્સિટીના ચં.ચી. મહેતા ઓડિટોરિયમમાં તા.૬, ૭ અને ૧૧મેના રોજ સાંજે 5 વાગ્યાથી આ જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.જેમાં નિષ્ણાતોની ટીમ ધો.૧૨ પછી કયા કયા કોર્સમાં કેવી રીતે જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરી શકાય છે તે સહિતની જાણકારી આપશે. તેની સાથે સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓને કોઈ મૂંઝવણ હશે તો તે અંગે પણ માર્ગદર્શન આપશે.

જીકાસ પોર્ટલને લઈને ગત વર્ષે ઘણા વિવાદો સર્જાયા હતા અને તે પછી સરકારના શિક્ષણ વિભાગે એડમિશન શરુ થાય તે પહેલા આખા રાજ્યમાં આ પ્રકારના કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું છે.

Share :

Leave a Comments