- ડ્રેનેજની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવા સૂચના
- જાહેરમાં થૂંકશો તો દંડાશો, હાલ સુધીમાં 28 લાખનો દંડ વસૂલાયો, દુકાનદારો અને ગલ્લા ધારકોને પણ આ અંગેની સૂચના અપાઇ
વડોદરા મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને રિવ્યૂ બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ચાલી રહેલા કામો અને આગામી સમયમાં હાથ ધરાનાર કામો અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. શહેરમાં ઉનાળાના સમયમાં પાણીની સમસ્યા વિકટ ન બને તે માટે આજવાથી આવતી 125 MLD પાણીની લાઇન આગામી એક મહિનામાં જોડી પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાણી મળે તેવા પ્રયાસો કરવા સૂચના આપવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, પાણીના સોર્સ બાબતને અમે ગંભીરતાથી લઈ રહ્યા છે. આજવાથી 125 MLD પાણી શહેરમાં મળી શકે તે માટેની પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. WTP (Water Treatment Plant) ઓલમોસ્ટ રેડી છે, ઇલેક્ટ્રિકલ પ્લમ્બિંગ કામ ચાલી રહ્યું છે જે અમુક ત્રણ જંક્શન છે SSNL નું એક, NHAI નું એક અને રોડનું એક એના ઉપર કામગીરી ચાલુ છે.
2.8 કિલોમીટરની લાઇનની પણ વિઝીટ કરવાનું પ્લાનિંગ કર્યું છે. અમારી ઈચ્છા છે કે આવતા એક મહિનાની અંદર આ 125 MLDની લાઈન જોડાણ કરીને ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન માટે પાણી પૂરું પાડી શકાય એ દિશામાં અત્યારે કામગીરી કરવાનું નક્કી કર્યું છે.
મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, શહેરમાં ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે જેના કારણે અનેક જગ્યાએ ખાડા ખોદતા છે તે અંગે તાકીદ કરી છે કે આ કામ માર્ચ-એપ્રિલ સુધી પૂરું કરી દેવાય, જેથી કરીને લોકોની તકલીફ ઓછી પડે, રોડ ડાયવર્સનનું કામગીરી વહેલા પૂરું થઈ જાય એનું પણ આજે રિવ્યુ કરવાનું છે.
જાહેરમાં થૂંકશો તો દંડાશો
પાલિકા દ્વારા સ્વચ્છતા બાબતે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાહેરમાં ગંદકી કરનાર સામે દંડનીય કાર્યવાહી કરાઈ રહી છે. આગામી સમયમાં જાહેરમાં થૂંકનાર સામે પણ દંડનીય કામગીરી કરવામાં આવશે. હાલ સુધીમાં 28 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. દુકાનદારો અને ગલ્લા ધારકોને પણ આ અંગેની સૂચના આપવામાં આવી છે.
સ્વચ્છતા સૈનિકોનું જાહેરમાં સન્માન કરાશે
શહેર જે સ્વચ્છતા કર્મીઓ સારી કામગીરી કરશે તેઓનું સન્માન કરવામાં આવશે. અને સ્વચ્છતા બાબતે જે લોકો ઉત્કૃષ્ટ કામગીરી કરશે તેઓના ફોટો શહેરમાં વિવિધ જગ્યાએ લાગેલી LED સ્ક્રીન ઉપર પણ મૂકવામાં આવશે. આગમી સમયમાં દરેક સોસાયટીમાં જઈને લોકોને સમજાવવામાં આવશે. એક મહિનામાં 400થી વધુ સોસાયટીના રહીશોને સમજ આપવાની કામગીરી હાથ ધરાશે.


