- મેયર પિન્કીબેન સોની દ્વારા મેગા ભરતી મેળામાં રોજગાર એનાયત પત્ર તેમજ પ્રશંસાપત્રો વિતરણ કરાયાં, તેમણે કહ્યું, હવે નોકરીદાતાઓ રોજગારવાંચ્છુ ઉમેદવારોને શોધે છે, યુવાઓને નવીન કાર્ય સંસ્કૃતિ મળી રહી છે

વડોદરામાં તરસાલી આઈ.ટી.આઈ. કેમ્પસમાં આજે મેયર શ્રીમતી પિન્કીબેન સોનીના અધ્યક્ષ સ્થાને ક્લસ્ટર કક્ષાનો ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો હતો. મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, વડોદરા તેમજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી આણંદ, ખેડા તથા છોટા ઉદેપુરના સંયુક્ત ઉપક્રમે આયોજીત આ મેગા રોજગાર ભરતી મેળામાં ચાર જિલ્લાની ઉત્પાદન અને સેવા ક્ષેત્રની કુલ ૬૬ કંપનીઓએ ભાગ લીધો હતો. કુલ બે હજારથી વધુ ખાલી જગ્યા માટે આયોજીત આ રોજગાર ભરતી મેળામાં ૧૬૦૦ થી વધુ નોકરીવાંચ્છુ ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાંથી ૧૧ દિવ્યાંગ ઉમેદવારો સહિત કુલ ૮૯૮ ઉમેદવારોની નોકરીદાતા દ્વારા પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.

વડોદરાના મેયર પિન્કીબેન સોનીએ રોજગાર અને કુશળતા વિકાસને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં સરકારની પ્રતિબદ્ધતાને કેન્દ્રમાં રાખીને પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. શ્રીમતી સોનીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર હંમેશા યુવાનોના કૌશલ્ય નિર્માણ અને રોજગારી માટે કટિબદ્ધ રહી છે. વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત @૨૦૪૭ ના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત વિકસિત ગુજરાત ના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે, ત્યારે રાજ્યના દરેક હાથને કામ અને દરેક કામને યોગ્ય દામ મળવો જોઈએ, તેવો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વવાળી રાજ્ય સરકારનો સ્પષ્ટ અભિગમ છે.
મેયર શ્રીમતીએ વધુમાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં યુવાનોએ નોકરી માટે કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા, પરંતુ આજે બદલાયેલા સમયમાં સરકારે પારદર્શકતા અને ગતિશીલતા સાથે સામે ચાલીને રોજગાર મેળાના માધ્યમથી નોકરીદાતા અને નોકરીવાંચ્છુઓને એક જ મંચ પર લાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. આજના યુવાનો નસીબદાર છે કે તેમને નવીન કાર્ય સંસ્કૃતિનો લાભ મળી રહ્યો છે, તેમ શ્રીમતી સોનીએ ઉમેર્યું હતું.

રોજગાર મેળામાં ભાગ લઈ રહેલા ઉમેદવારોને ખાસ અપીલ કરતા મેયર શ્રીમતી સોનીએ કહ્યું હતું કે, આ મેળામાં માત્ર સીધી ભરતી જ નહીં, પરંતુ એપ્રેન્ટિસશીપ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. એપ્રેન્ટિસશીપને માત્ર તાલીમ ન ગણીને તેને કારકિર્દીનો પાયો ગણવા પર શ્રીમતી સોનીએ યુવાનોને અનુરોધ કર્યો હતો. ચાર જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારો એકત્ર થયા છે, ત્યારે આ ક્લસ્ટર એપ્રોચથી યુવાનોને પોતાના જિલ્લા ઉપરાંત પાડોશી જિલ્લાઓમાં પણ રોજગારીની તકો વિશે જાણકારી મળે છે અને ઉદ્યોગોને પણ બહોળી સંખ્યામાં કુશળ માનવબળ મળી રહેશે, તેવો વિશ્વાસ મેયરશ્રીએ વ્યક્ત કર્યો હતો.
શ્રીમતી સોનીએ આજના મેગા રોજગાર ભરતી મેળામાં હાજર રહેલી કંપનીઓનો આભાર માનીને જણાવ્યું હતું કે, ઔદ્યોગિક ગૃહો (કંપની) સરકાર સાથે ખભેખભો મિલાવીને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સહભાગી થઈ રહ્યા છે. અંતમાં, સુંદર આયોજન બદલ મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરીને અભિનંદન પાઠવી યુવાનોને તેમની ઉજ્જવળ કારકિર્દી માટે હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવી હતી.


નાયબ નિયામક (રોજગાર), વડોદરા શ્રી ડી. કે. ભટ્ટે સ્વાગત પ્રવાચનમાં રોજગારવાંચ્છુ ઉમેદવારોને શુભકામના પાઠવીને કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી. મદદનીશ નિયામક (રોજગાર) શ્રી એ. એલ. ચૌહાણે આભારવિધિ કરી હતી. ત્યારબાદ બાદ મહાનુભાવોના હસ્તે રોજગાર એનાયત પત્રો તેમજ પ્રશંસાપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળામાં સ્વરોજગાર માર્ગદર્શન શિબિર, પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના સેમિનાર, વિદેશ રોજગાર અને અભ્યાસ માટે માહિતી માર્ગદર્શન સેમિનાર પણ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં નાયબ નિયામક (તાલીમ ),વડોદરા શ્રી જે બી મિસ્ત્રી, ખેડા અને આણંદ જિલ્લાના રોજગાર અધિકારી શ્રી મિનાક્ષી ચૌહાણ, તરસાલી આઈટીઆઈના આચાર્યશ્રી એ આર શાસ્ત્રી, વડોદરા ઈ.પી.એફ.ઓ.ના એન્ફોર્સમેન્ટ ઓફિસર શ્રી દિપક રાણા તેમજ શ્રી ભરત કાંજાણી, નોકરીદાતાઓ તથા નોકરીવાંચ્છુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની હાઈલાઈટ્સ
- ક્લસ્ટર ભરતી મેળામાં ત્રણ તાલીમ સંસ્થા દ્વારા ૮૬ ઉમેદવારોની વિનામૂલ્યે તાલીમ માટે પસંદગી કરવામાં આવી
- ૬ નોકરીદાતા દ્વારા ૪૯ દિવ્યાંગ ઉમેદવારોના ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા, ૧૧ ઉમેદવારની પ્રાથમિક પસંદગી કરાઈ
- એક્સ સર્વિસમેન માટે બે નોકરીદાતા દ્વારા ૧૦૦ થી વધુ જગ્યાઓ માટે ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા
- ભરતી મેળા થકી રોજગારી મેળવેલ હોય તેવા ૧૬ ઉમેદવારોને રોજગાર પત્ર તેમજ ભરતી મેળામાં હાજર રહી ઉમેદવારોને રોજગારી આપી હોય એવી ૧૨ કંપનીઓના પ્રતિનિધિઓને મહાનુભાવોના હસ્તે પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.


