ચૂંટણીના 90 દિવસ અગાઉ ફોટાવાળી મતદાર યાદી અને અનામત બેઠકોની માહિતી આપવા શહેર કોંગ્રેસની માગ

કોર્પોરેશન ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

MailVadodara.com - City-Congress-demands-to-provide-voter-list-with-photo-and-information-on-reserved-seats-90-days-before-elections

- આખા દેશમાં વોટ ચોરીનો મુદ્દો ચર્ચામાં છે, જેના કારણે ચૂંટણી પંચ પર પણ શંકા-કુશંકા ઉભી થઈ છે, 90 દિવસ પહેલાં ડેટા આપવામાં આવે, જેથી અમે ખરાઈ કરી શકીએ છે : ઋત્વિજ જોશી


વડોદરા શહેર કોંગ્રેસે આગામી કોર્પોરેશન ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને માગણી કરી છે કે, ચૂંટણીના 90 દિવસ પહેલાં 1થી 19 વોર્ડની ફોટાવાળી મતદાર યાદી, અનામત બેઠકોની માહિતી (એસટી, એસસી, ઓબીસી) અને મતદાન કેન્દ્રોની વિગતો પૂરી પાડવામાં આવે.


વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું કે, આગામી ફેબ્રુઆરી અથવા માર્ચમાં યોજાનારી કોર્પોરેશન ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમે આ માગણી કરી છે. ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તાનો દુરુપયોગ કરીને ચૂંટણીમાં અનૈતિક રીતે જીત મેળવી છે. મતદાર યાદીમાં ખામીઓ, જેમ કે મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામો અને સ્થળાંતર કરનારાઓના નામો ન હટાવવામાં આવતા હોવાની ફરિયાદો છે. અમે આ મુદ્દે ત્રીજી વખત રજૂઆત કરી રહ્યા છીએ. પહેલાં 18 માર્ચે અને 20 દિવસ અગાઉ પણ આવેદનપત્ર આપ્યું હતું. કલેક્ટર ઓફિસ દ્વારા આપવામાં આવતી હાર્ડ કોપી મતદાર યાદી અપડેટેડ નથી હોતી, જેના કારણે જાહેર નાણાંનો વ્યય થાય છે.


તેમણે વધુમાં કહ્યું, આખા દેશમાં વોટ ચોરીનો મુદ્દો ચર્ચામાં છે, જેના કારણે ચૂંટણી પંચ પર પણ શંકા-કુશંકા ઉભી થઈ છે. વિપક્ષ તરીકે અમને ચૂંટણીની તૈયારી માટે પૂરતો સમય મળવો જોઈએ. જો અમારી માંગણીઓ પૂરી નહીં થાય, તો અમારે મહાત્મા ગાંધીના માર્ગે ચૂંટણી પંચ સામે આંદોલન કરવું પડશે.

કોર્પોરેશન વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આ મુદ્દે આકરા પ્રહારો કરતાં કહ્યું, ગત ચૂંટણીમાં મતદાર યાદીમાં ગોટાળાને કારણે અમારા બે ઉમેદવારો હારી ગયા. ઉદાહરણ તરીકે, ભાથુજી નગરને 15મા વોર્ડમાં ખસેડી દેવાયું, જેના કારણે 1000 મતો ખસી ગયાં. મતદાર યાદીમાં મૃત્યુ પામેલા, સ્થળાંતર કરનારા અને ડુપ્લિકેટ મતદારોના નામો શામેલ હોય છે, જે સત્તાધારી પાર્ટીને જીતાડવા માટેનું ષડયંત્ર લાગે છે. અમે માંગ કરીએ છીએ કે, મતદાર યાદીનો ચોક્કસ ડેટા 90 દિવસ પહેલાં આપવામાં આવે, જેથી અમે ખરાઈ કરી શકીએ. જો ઈમાનદારીની વાત કરો છો, તો બેલેટ પેપરથી ચૂંટણી કરાવો, જેથી સત્ય બહાર આવે.


વડોદરા શહેરની વસ્તી આશરે 24-25 લાખ છે, કોર્પોરેશનમાં સાત આઉટગ્રોથ વિસ્તારોનો સમાવેશ થયો છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે, 18 વર્ષના નવા મતદારો ઉમેરવાની પ્રક્રિયા યોગ્ય છે, પરંતુ મૃત્યુ પામેલા, સ્થળાંતર કરનારા અને ડુપ્લિકેટ મતદારોના નામો દૂર કરવા માટે ઝુંબેશ શરૂ થવી જોઈએ. કોંગ્રેસે ચૂંટણી પંચની ખામીઓ દૂર કરવા અને પારદર્શક ચૂંટણી માટે સાચી મતદાર યાદીની માંગ કરી છે, જેથી લોકશાહીની સાચી લડાઈ લડી શકાય.

Share :

Leave a Comments