- વિનાયક લોજિસ્ટિક્સ દ્વારા વાઘોડિયા, બાજવા, રણોલી, ચાણસદ અને રસુલાબાદના 5 રૂટ 31 ઓક્ટોબરથી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો
- બાકી બિલોની ચુકવણી અને ઓડિટ પ્રક્રિયા સંબંધિત મુદ્દાઓને કારણે મુશ્કેલી, રોજ નોકરી-ધંધા પર જતા હજારો મુસાફરો અને કોલેજોમાં ભણવા જતા સ્ટુડન્ટ્સને અસર થશે
વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરી બસ સેવાનું સંચાલન કરતી વિનાયક લોજિસ્ટિક્સ દ્વારા વાઘોડિયા, બાજવા, રણોલી, ચાણસદ અને રસુલાબાદના 5 રૂટ 31 ઓક્ટોબરથી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે 200 જેટલી ટ્રીપ બંધ થઈ જશે અને રોજ નોકરી ધંધા પર જતા હજારો મુસાફરો અને કોલેજોમાં ભણવા જતા સ્ટુડન્ટ્સને અસર થશે.
વિનાયક લોજિસ્ટિક્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કંપની વર્ષ 2017થી વડોદરા શહેરી બસ સેવાનું સંચાલન કરી રહી છે. આ માટે 1 ઓક્ટોબર, 2017થી વડોદરા સિટી બસ સેવા સંબંધિત સત્તાધિકારી (VSCDL) સાથે કરાર કરવામાં આવ્યો હતો. 30 નવેમ્બર, 2025 સુધીની ચુકવણી VSCDL દ્વારા કરવામાં આવતી હતી, જ્યારે 1 ડિસેમ્બર, 2025થી ચુકવણીની જવાબદારી વડોદરા મહાનગરપાલિકા હસ્તક કરવામાં આવી હતી. હાલ બાકી બિલોની ચુકવણી અને ઓડિટ પ્રક્રિયા સંબંધિત મુદ્દાઓને કારણે બસ સેવા સંચાલનમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે.
સપ્ટેમ્બર, 2026ના બિલોની ચકાસણી દરમિયાન VMCના ઓડિટ વિભાગે કેટલાક બસ રૂટની મંજૂરી અને કાયદેસરતા અંગે ક્વેરી ઉઠાવી છે. કંપનીના દાવા મુજબ, કેટલાક રૂટ ટેન્ડરની શરતોમાં સમાવિષ્ટ છે, જ્યારે અન્ય રૂટ સંબંધિત સત્તાધિકારીઓની સૂચનાઓ અને મંજૂરીઓના આધારે શરૂ કરવામાં આવ્યા હતા.
કંપનીના જણાવ્યા અનુસાર, કેટલાક રૂટ માટે મહાનગરપાલિકા કમિશનર દ્વારા સાંસદ અને ધારાસભ્યો સાથેની સંકલન બેઠક બાદ લેખિત સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ RTO કચેરીમાંથી જરૂરી પરમિટ મેળવવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી હતી. જોકે, આ રૂટ અંગેની ઓડિટ ક્વેરીનો ઉકેલ અને બાકી ચુકવણીઓ અંગે સ્પષ્ટતા ન થતાં 31 ઓક્ટોબરથી 5 રૂટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
કંપનીએ જણાવ્યું છે કે, તેનો હેતુ કોઈ સરકારી વિભાગ કે સત્તાધિકારી સામે આક્ષેપ કરવાનો નથી, પરંતુ અગાઉની મંજૂરીઓ અને દસ્તાવેજોને ધ્યાનમાં રાખીને યોગ્ય ઉકેલ લાવવાની અપેક્ષા છે.


