- સયાજી હોસ્પિટલમાં પરિવારનો વિરોધ, મૃતદેહ કોલ્ડ રૂમમાં રખાયો અને વળતરની માંગ યથાવત્
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા જશોદાનગરમાં ગઈકાલે પાલિકાની ડોર-ટુ-ડોર કચરાની ગાડીએ કચડી નાંખતા એક યુવકનું મોત નીપજ્યું હતું. આજે વળતર આપવાની માંગ સાથે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. પરિવારે સયાજી હોસ્પિટલમાં વિરોધ કર્યો હતો. યુવકના મૃતદેહને કોલ્ડ રૂમમાં મૂકવામાં આવ્યો છે.

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા જશોદાનગરમાં રહેતા અનિલ ઠાકોર મકરપુરા GIDCમાં નોકરી કરતા હતા. તેમની બહેન ગર્ભવતી હોવાથી સોમવારે તેને ચેકઅપ માટે સયાજી હોસ્પિટલ લઈ જવાનું હતું. જોકે, અનિલ તેની બહેન સાથે હોસ્પિટલ જઈ શક્યા નહોતા અને બપોરના સમયે ઘરે જ હતા. બપોરે ભોજન લીધા બાદ અનિલ અને તેમની માતા ઘરની બહાર ઓટલા પર બેઠાં હતાં. તે દરમિયાન અચાનક ડોર-ટુ-ડોર કચરાની ગાડી પૂરઝડપે આવી હતી અને ઓટલા સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં અનિલભાઈને નાક અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.
અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાસ્થળે ટોળાં એકત્રિત થઈ ગયાં હતાં. સ્થાનિક લોકોએ ગાડીના ચાલકને પકડી લીધો હતો. બીજી તરફ, ગંભીર રીતે ઈજાગ્રસ્ત અનિલભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો. વળતર આપવાની માંગ સાથે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો જેથી મૃતદેહને કોલ્ડ રૂમમાં મૂકવામાં આવ્યો છે.


