- પાર્કિંગ સ્થળો-હાઇવેના ગરનાળાંમાં ચેકિંગ, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક
વડોદરા શહેરમાં આગામી તહેવારોના અનુસંધાને શાંતિ, સલામતી અને કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી શહેર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સ્વીક રિસ્પોન્સ ટીમને સાથે રાખી ડ્રોન સહિતનાં આધુનિક સાધનોની મદદથી વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી.

વડોદરા શહેર પોલીસ દ્વારા હરણી એરપોર્ટની આસપાસના એરિયા, જાહેર માર્ગો પરનાં પાર્કિંગ સ્થળો, નવી બાંધકામની સાઇટો, હાઇવે નીચેનાં ગરનાળાં તેમજ હાઇવેની ચોકડીઓ સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન સંભવિત જોખમી સ્થળો અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી હતી. સાથે જ ડ્રોન અને આધુનિક સુરક્ષા સાધનોનો ઉપયોગ કરીને વિવિધ સ્થળોની દેખરેખ રાખી સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
આગામી તહેવારો દરમિયાન નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા, જાહેર શાંતિ જાળવવા અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ સતર્ક બની છે. કોઈપણ અનિચ્છનીય બનાવને અટકાવવા માટે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં જરૂરી સુરક્ષા વ્યવસ્થા અને ચેકિંગની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે.


