- રણોલીની મહિલા સાથે કોટલેન્ડના ડોક્ટર અમનના નામે લાખો રૂપિયાની સાયબર ઠગાઈ
વડોદરા નજીકના ગામમાં એક મહિલા સાથે ફ્રેન્ડશીપ કરવાના નામે ડોક્ટર અમન નામના ઠગે રૂ.21 લાખ પડાવી લીધા હોવાનો બનાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે રણોલી ખાતે રહેતી અને એક સંસ્થામાં નોકરી કરી દસેક હજાર જેટલો પગાર મેળવતી મહિલા ઉપર ગઈ તા.14 ફેબ્રુઆરીએ કોટલેન્ડના ડોક્ટર અમનના નામે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી જે મહિલાએ સ્વીકારતા તેણે મેસેજથી વાત કરવા માંડી હતી. અમને પોતાની હિસ્ટ્રી કઈ હતી અને પત્નીનું અવસાન થયું હોવાથી પુત્ર સાથે એકલો રહે છે તેમ કહી મહિલાને વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ તેને વોટ્સએપ નંબર લઈને વાતચીત કરી હતી.
ઠગે કહ્યું હતું કે તમે મારા ફ્રેન્ડ છો એટલે હું તમારા માટે ગિફ્ટ પાર્સલ મોકલું છું. તા.20 ફેબ્રુઆરીએ તેણે મારું એડ્રેસ લઈને એક પાર્સલ મોકલ્યું હતું. મહિલાએ પાર્સલમાં શું છે તેમ પૂછતા તેણે ચોકલેટ હોવાનું કહ્યું હતું. ત્યાર પછી તા.23મીએ દિલ્હીની પાર્સલ ઓફિસમાંથી પ્રિયાના નામે ફોન આવ્યો હતો અને કોટલેન્ડથી એક પાર્સલ આવ્યું છે જે છોડાવવા માટે રૂ.28,900 ચુકવવા પડશે તેમ કહેતા મેં આ રકમ ચૂકવી હતી.
મહિલાએ કહ્યું છે કે ત્યારબાદ ફરીથી મારા પર ફોન આવ્યો હતો અને પાર્સલમાં 22 હજાર પાઉન્ડ (આશરે 28 લાખ રૂપિયા) છે તેમ કહી તેને છોડાવવા માટે બીજા રૂપિયા માંગ્યા હતા. આ રકમ પણ મેં ટ્રાન્સફર કરી હતી. બીજી તરફ ડોક્ટર અમન મારી સાથે વાતચીત ચાલુ રાખતો હતો. જુદા જુદા ચાર્જીસ અને બીજા કારણો બતાવીને મારી પાસે કુલ રૂ.21 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. ત્યાર પછી પણ મને પાર્સલ મળ્યું નથી અને રૂપિયાની માંગણી ચાલુ રાખવામાં આવતી હોવાથી શંકા થઈ હતી અને સાયબર સેલને જાણ કરી હતી.


