મંજુસર ગામે કરિયાણાની દુકાનની આડમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, મહિલા સહિત બે પકડાયાં

ઘરેલું ગેસના બોટલમાંથી નાના-મોટા બોટલમાં ગેસ ભરી ફરી સીલ મારી વેચાણ કરતા હતા

MailVadodara.com - Illegal-gas-refilling-racket-busted-at-a-grocery-shop-in-Manjusar-village-two-people-including-a-woman-arrested

- મોટા સિલિન્ડરમાંથી ગેસ કાઢી નવું સીલ મારી વેચતાં

- દિલીપ પ્રોવિઝન સ્ટોરમાંથી 48 સિલિન્ડર, બે મોબાઈલ ફોન, પાઇપ, વજનકાંટો સહિત 1.09 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

વડોદરા જિલ્લાના મંજુસર ગામે બસ સ્ટેન્ડ નજીક આવેલી એક કરિયાણાની દુકાનની આડમાં ચાલતા ગેરકાયદે ગેસ રિફિલિંગના કૌભાંડનો મંજુસર પોલીસે પર્દાફાશ કર્યો છે. દિલીપ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં રાંધણગેસના મોટા સિલિન્ડરમાંથી પાઇપ વડે નાના અને અન્ય બાટલાઓમાં ગેરકાયદે ગેસ ટ્રાન્સફર કરી, ફરી બોગસ સીલ લગાવીને ઊંચા ભાવે વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી ગેસ રિફિલિંગનું જોખમી કામ કરતાં એક યુવક તેમજ દુકાન સંભાળતી મહિલાને રંગેહાથ ઝડપી લીધાં હતાં.

પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, મંજુસર બસ સ્ટેન્ડ પાસે આવેલી દિલીપ પ્રોવિઝન સ્ટોર બહાર ગેસના બાટલાઓનો મોટો જથ્થો પડ્યો છે અને અંદર શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે. પોલીસે ઓચિંતો છાપો મારતાં એક શખ્સ મોટા સિલિન્ડરમાંથી પાઇપ દ્વારા નાના બોટલમાં ગેસ ભરતો નજરે પડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ જુદી-જુદી એજન્સીઓ કે સ્થળોએથી સીલબંધ સિલિન્ડર મંગાવતા હતા અને બાદમાં સીલ તોડી તેમાંથી ગેસ કાઢી અન્ય બાટલા ભરતા હતા. ત્યારબાદ તેના પર ફરી નકલી સીલ અને ઢાંકણ લગાવી ગ્રાહકોને અસલી સિલિન્ડર તરીકે પધરાવી કાળો કારોબાર ચલાવતા હતા.

દુકાનમાં હાથ ધરાયેલી સઘન તપાસ દરમિયાન કોમર્શિયલ વપરાશના 13 અને ઘરેલુ વપરાશના નાના-મોટા 35 મળી કુલ 48 ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. જેમાં કોમર્શિયલ ગેસના ભરેલા કે અર્ધભરેલા 10 અને ખાલી 3 બાટલા તેમજ ઘરેલુ વપરાશના મોટા 11 અને નાના 26 સિલિન્ડરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોલીસે સ્થળ પરથી બે મોબાઈલ ફોન, રિફિલિંગ કરવા માટે વપરાતી ખાસ પાઇપ, વજનકાંટો તેમજ ગેસના બોટલના સીલ અને ઢાંકણ સહિત કુલ 1,09,000નો મુદ્દામાલ કાયદેસર રીતે જપ્ત કર્યો છે.

આ ગેરકાયદે નેટવર્ક ચલાવવા બદલ પોલીસે મૂળ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના વતની અને હાલ મંજુસરની પરદેશી નગર સોસાયટીમાં રહેતા 30 વર્ષીય નરેન્દ્રસિંહ માનસિંહ રાજપૂત તેમજ મંજુસરના સોખડા રોડ પર આવેલી પરદેશી નગર સોસાયટીમાં રહેતાં 47 વર્ષીય રોશનબેન વોરા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રહેણાંક વિસ્તારમાં કોઈ પણ પ્રકારના સુરક્ષા સાધનો વિના ચાલતા આ જોખમી રિફિલિંગ કૌભાંડથી મોટી હોનારત સર્જાવાની શક્યતા હતી, જેને પોલીસે સમયસર ઝડપી પાડી છે.


Share :

Leave a Comments