- પોલીસે આધુનિક સાધનોની મદદથી નિરીક્ષણ કરી નાગરિકોને કિંમતી સામાન તથા બાળકોની સુરક્ષા પ્રત્યે સાવચેત રહેવા અપીલ કરી, શંકાસ્પદ વસ્તુ દેખાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ
વડોદરા શહેરમાં આગામી તહેવારો દરમિયાન શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા લહેરીપુરા દરવાજા સહિતના ભીડભાડવાળા બજાર વિસ્તારોમાં સઘન સુરક્ષા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચનાથી તહેવારોની ખરીદી અર્થે ઉમટતી જનમેદનીને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. પોલીસે આધુનિક સાધનોની મદદથી નિરીક્ષણ કરી નાગરિકોને કિંમતી સામાન તથા બાળકોની સુરક્ષા પ્રત્યે સાવચેત રહેવા અપીલ કરી છે.
સુરક્ષા ચેકિંગ દરમિયાન બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડે આધુનિક સાધનોની મદદથી જાહેર સ્થળો તેમજ ભીડભાડવાળા વિસ્તારોમાં શંકાસ્પદ વસ્તુઓની ઝીણવટભરી તપાસ કરી હતી. આ ઉપરાંત, સમગ્ર બજાર વિસ્તારની ભીડ પર નજર રાખવા માટે ડ્રોન કેમેરા મારફતે હવાઈ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. સાથે જ પબ્લિક અવેરનેસ સિસ્ટમ દ્વારા ખરીદદારોને સુરક્ષા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
પોલીસ જવાનો દ્વારા બોડી વોર્ન કેમેરાથી સજ્જ થઈને બજાર વિસ્તારોનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વેપારીઓ અને ગ્રાહકોની સલામતી માટે પોલીસે નાગરિકોને પોતાની વસ્તુઓની સંભાળ રાખવા અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ નજરે પડે તો તાત્કાલિક નજીકના પોલીસ મથકે અથવા કંટ્રોલ રૂમને જાણ કરવા અનુરોધ કર્યો છે.


