- બાઈક ચાલક ખેડાના સનાદરા ગામના વલ્લભભાઈ સોમાભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી, અકસ્માત સ્થળે ટ્રાફિક જામ સર્જાયો
વડોદરા નજીક આવેલા દુમાડ નજીક ગણપતપુરા પાસે પાટીયા ખાતે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક અને બાઈક વચ્ચે ટક્કર થતાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા દુમાડ ગામ પાસે ગણપતપુરા પાટિયા નજીક ટ્રકની અડફેટે આવતાં બાઈક ચાલક ખેડાના સનાદરા ગામના વલ્લભભાઈ સોમાભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ વડોદરા જિલ્લાના આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે સ્થળની તપાસ કરી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળની તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. અકસ્માતના સ્થળે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. પોલીસે ટ્રાફિક જામને દૂર કરીને સ્થિતિને પૂર્વવત કરી હતી. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર અને જિલ્લામાં અકસ્માતોની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. જેમાં અનેક લોકોના મોત પણ થયા છે. વાહન ચાલકો બેફામ રીતે વાહન ચલાવીને લોકોના જીવ જોખમમાં મૂકે છે.


