વડોદરા શહેરના શાસ્ત્રી બ્રિજ પાસે નાનુભાઈ અમીન માર્ગ પર આવેલ રામબાગ ખાતે બી.સી.એ.ની ચૂંટણી યોજાશે. મતદાનનો સમય સવારે 9 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીનો રહેશે. અને તે જ દિવસે સાંજે એટલે કે તા.15 ફેબ્રુઆરી રવિવારના રોજ સાંજે 6 વાગ્યાથી મત ગણતરીની શરૂઆત થશે. જ્યારે તા.16 ફેબ્રુઆરીના રોજ પરિણામોની જાહેરાત થશે. મતદાન સમયે સભ્યોને ફરજિયાત પણે બીસીએ દ્વારા જારી કરાયેલ માન્ય ઓળખ પત્ર (ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા પાસપોર્ટ) સાથે રાખવાના રહેશે.
અત્રે યાદ અપાવવું જરૂરી છે કે, બી.સી.એ.માં પ્રમુખપદે દાવેદારીની ઈચ્છા ધરાવતા ડો.દર્શન બેંકરે તેમના પુત્રના લગ્નના દિવસોમાં સત્તાધીશોએ ચૂંટણીની તારીખો નક્કી કરી તેઓ ઉમેદવારી ન કરી શકે તે માટે તખ્તો ઘડયો હોવાનો આરોપ મૂક્યો હતો. તેની સામે સત્તાધીશોએ ગઇ તા.11 નવેમ્બરે મળેલી બીસીએની એજીએમમાં ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી હોવાની સ્પષ્ટતા કરી હતી.


