- સ્વરોજગાર અને વિદેશ રોજગાર અંગે પણ માર્ગદર્શન અપાશે, બાયોડેટા/રેઝ્યૂમની 5 કોપી સાથે ભરતી મેળામાં હાજર રહેવાનું રહેશે
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના થુવાવી ખાતે આગામી તા. 23 જૂન, 2026ના રોજ રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી અને મોડેલ કરિયર સેન્ટર, વડોદરા તેમજ અંજુબેન આર. પટેલ (સેલ્ફ ફાયનાન્સ) ITI, થુવાવીના સંયુક્ત ઉપક્રમે આ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
અંજુબેન આર. પટેલ (સેલ્ફ ફાયનાન્સ) ITI, થુવાવી ખાતે સવારે 930 કલાકથી યોજાનારા આ ભરતી મેળામાં સર્વિસ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરની 10થી વધુ કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી ઉમેદવારોના સીધા ઇન્ટરવ્યુ લેશે. જુનિયર એન્જિનિયર, સેલ્સ એક્ઝિક્યુટિવ, કેશિયર, પેકર, ટ્રેઇની, ગ્રુપ ક્રેડિટ ઓફિસર, ટર્નર ઓપરેટર, ફિટર, વેલ્ડર, મશીન ઓપરેટર અને મિગ વેલ્ડર સહિત 200થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ભરતી મેળામાં ધોરણ 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા તેમજ ગ્રેજ્યુએટ (બી.કોમ., બી.એ., બી.બી.એ.) લાયકાત ધરાવતા 18થી 35 વર્ષના પુરુષ અને મહિલા ઉમેદવારો ભાગ લઈ શકશે.
આ પ્રસંગે ઉમેદવારોને રોજગારીની તકો ઉપરાંત વિદેશમાં રોજગાર અને અભ્યાસ માટે સેફ લીગલ માઈગ્રેશન અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ સ્વરોજગાર લોન સહાય યોજના, લશ્કરી ભરતી પૂર્વેની 30 દિવસની મફત નિવાસી તાલીમ યોજના, પીએમ ઈન્ટર્નશિપ યોજના અને પીએમવીબીઆરવાય યોજના અંગે નિષ્ણાતો દ્વારા માહિતી આપવામાં આવશે. ભરતી મેળા દરમિયાન સરકારી ઓનલાઈન જોબ પોર્ટલ અનુબંધમ અને એનસીએસ પર નામ નોંધણી કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે.
રસ ધરાવતા ઉમેદવારોએ બાયોડેટા/રેઝ્યૂમની 5 કોપી સાથે પોતાના ખર્ચે ભરતી મેળાના સ્થળે હાજર રહેવાનું રહેશે. રોજગાર અધિકારી દ્વારા જણાવ્યા મુજબ ભરતી મેળાના આયોજન તથા પસંદગી પ્રક્રિયા માટે ઉમેદવાર કે નોકરીદાતા પાસેથી કોઈપણ પ્રકારની ફી અથવા ચાર્જ લેવામાં આવશે નહીં.


