અટલાદરા વિસ્તારમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને 55 વર્ષીય રિક્ષાચાલકે ઝેરી દવા પીને આપઘાત કર્યો

કલાલીમાં રહેતા રિક્ષાચાલકે માંજલપુરના વ્યક્તિ પાસેથી વ્યાજે 20 હજાર ઊછીના લીધા હતા

MailVadodara.com - Tired-of-being-harassed-by-a-moneylender-in-Atladara-area-a-55-year-old-rickshaw-puller-committed-suicide-by-consuming-poison

- આરોપીએ રસ્તામાં રોકી માંજલપુર વિસ્તારમાં લઇ જઇ ખૂબ માર માર્યો હતો, ત્યારબાદ પૈસા-મોબાઈલ પણ પડાવી લીધા હતા, જને પગલે લાગી આવતા ઘરે ઝેરી દવા પી લીધી હતી

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને 55 વર્ષીય રિક્ષાચાલકે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. ગત 17 જૂને અટલાદરાના કલાલી વિસ્તારમાં વુડાના મકાનમાં રાજુભાઇ ઠાકોરે દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સારવાર માટે તેમને ગોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું છે. પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પરિવારના આક્ષેપ મુજબ, માંજલપુર વિસ્તારમાં રહેતા વ્યક્તિ પાસેથી વ્યાજે 20 હજાર રૂપિયા ઉછીના લીધા હતા, જેના કારણે તેમને સતત ત્રાસ આપવામાં આવતો હતો. આ ત્રાસથી કંટાળીને રાજુભાઇએ આપઘાત કર્યો હોવાનું પરિવારે જણાવ્યું છે. અટલાદરા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.

આ અંગે મૃતકના પુત્ર સાગર ઠાકોરે જણાવ્યું હતું કે, તેના પિતા રિક્ષા ચલાવતા હતાં. એક દિવસ એક વ્યક્તિએ તેના પિતાને રસ્તામાં રોક્યા હતા અને તેમને માંજલપુર વિસ્તારમાં લઈ જઈને ખૂબ જ માર માર્યો હતો. આ સાથે જ તે વ્યક્તિએ તેના પિતા પાસેથી પૈસા અને મોબાઈલ પણ ઝૂંટવી લીધા હતા. આ ઘટનાથી વ્યથિત થઈને તેના પિતાએ ઘરે આવીને ઝેરી દવા પી લીધી હતી. બાદમાં તેઓને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓએ દમ તોડી દીધો હતો.

યુવકના જણાવ્યા અનુસાર, તેના પિતાને માર મારવાનું મુખ્ય કારણ પૈસાની લેવડદેવડ અને વ્યાજખોરી હતું. તેના પિતાએ અંદાજિત 20 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા અને તેઓ છેલ્લા એક વર્ષથી તેનું વ્યાજ નિયમિત ચૂકવી રહ્યા હતાં. પરંતુ આ વખતે વ્યાજ ચૂકવવામાં થોડું મોડું થતાં તેમની સાથે આ પ્રકારનું અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. યુવકે આ બાબતે કડક ન્યાયની માંગણી કરી છે અને પોલીસ કેસ દાખલ કરીને વ્યાજખોર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

Share :

Leave a Comments