કાયાવરોહણમાં પ્રેમલગ્નની અદાવતે યુવક અને તેના પરિવાર પર ટોળાંનો હિંસક હુમલો, 10 સામે ફરિયાદ

રૂમાલ બાંધી આવેલા હુમલાખોરો રાત્રે ઘરમાં ઘૂસી મારામારી કરી પત્નીને બળજબરીથી લઈ ગયા

MailVadodara.com - A-mob-violently-attacked-a-young-man-and-his-family-in-Kayavarohan-over-a-love-marriage-complaint-filed-against-10

- રબારી સમાજની યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર યુવકના ઘરમાં ટોળાએ ઘૂસીને લાકડીઓ અને કડા સહિતના હથિયારોથી મારામારી કરી, હુમલાખોરોએ ઘરમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું

વડોદરા જિલ્લા ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામની નવીનગરી વિસ્તારમાં પ્રેમલગ્નની અદાવતે યુવક અને તેના પરિવાર પર હિંસક હુમલો કરવામાં આવ્યો છે. રબારી સમાજની યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર યુવકના ઘરમાં ટોળાએ ઘૂસીને લાકડીઓ અને કડા સહિતના હથિયારોથી મારામારી કરી હતી. આ ઘટનાથી વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે.

18 જૂનની રાત્રે આશરે 10.30 વાગ્યે કલ્પેશ રબારી, યતિન રબારી, ધર્મેશ રબારી, વિશાલ રબારી, ભાર્ગવ રબારી, કૃણાલ રબારી, દીપક રબારી, વિષ્ણુ રબારી સહિત અન્ય લોકોનું ટોળું વિકાસભાઈ ઉર્ફે અક્ષિત જગદીશભાઈ રાવળના ઘરે પહોંચ્યું હતું. આરોપીઓએ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી વિકાસભાઈના ભાઈ આસુદ સહિત પરિવારના સભ્યો પર લાકડાની ડાંગ અને કડા વડે જીવલેણ હુમલો કર્યો હતો.

વિકાસભાઈએ ડભોઈ પોલીસ મથકે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેણે રબારી સમાજની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હોવાથી આરોપીઓ અદાવત રાખતા હતા. આ અદાવતને કારણે જ ટોળાએ તેમના પરિવાર પર આક્રમણ કર્યું હતું. ઘટનામાં અનેક પરિવારજનોને ઈજાઓ પહોંચી છે. ડભોઈ પોલીસે ફરિયાદના આધારે 10 નામજોગ આરોપીઓ સહિત અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓની શોધખોળ અને તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગે વિકાસ જગદીશભાઈએ જણાવ્યું હતું કે, તેમણે 29 જાન્યુઆરી 2026ના રોજ પ્રેમલગ્ન કર્યા હતા અને આ સંદર્ભે તેઓ 8 એપ્રિલના રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં હાજર પણ થયા હતા. જોકે, ગત રાત્રે જ્યારે તેમનો પરિવાર ઘરમાં સૂતો હતો, ત્યારે અચાનક 15થી 20 જેટલા લોકોએ તેમના ઘર પર હુમલો કર્યો હતો. આ હુમલાખોરોએ ઘરમાં ઘૂસીને તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું અને જ્યારે રાહુલનો ભાઈ વચ્ચે પડ્યો તો તેના માથા પર કડું મારીને તેમજ ઝાપટો મારીને ઈજા પહોંચાડી હતી. આ હુમલાખોરો ચાલુ વરસાદમાં મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા અને રાહુલની પત્નીને ઘરમાંથી બળજબરીપૂર્વક ખેંચીને અપહરણ કરી ગયા હતા.

રાહુલે હુમલો કરનારા વ્યક્તિઓ તરીકે કલ્પેશ રબારી, કલ્પેશ રબારીના પિતા, યતીન રબારી, ભાર્ગવ રબારી, ધર્મેશ રબારી, વિશાલ રબારી (મેલો), છત્રાલના કૃણાલ રબારી, દીપક રબારી, વડોદરાના વિષ્ણુ રબારી અને કિરણ ભુવાજી (કિરણ રબારી) નામોનો ઉલ્લેખ કર્યો હતો. આ ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને પુરાવાઓ તેમજ સાક્ષીઓ એકત્રિત કરીને તપાસ શરૂ કરી છે. રાહુલે પોલીસ સમક્ષ માગ કરી છે કે તેની પત્નીને સહીસલામત પાછી મેળવવામાં આવે અને જો ભવિષ્યમાં તેના પરિવારને કે તેની પત્નીને કંઈ પણ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી પોલીસની રહેશે અને તે માટે પોલીસે કડક કાયદાકીય પગલાં લેવા પડશે.

Share :

Leave a Comments