- અટલાદરા શાખાના કુરિયર પાર્સલો સતત ગુમ થતા હોવાનું સામે આવ્યું હતું, CCTV અને ટ્રાન્ઝેક્શન તપાસથી ભાંડો ફૂટ્યો, પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી
વડોદરામાં કાર્યરત સેડોફેક્સ કુરિયર કંપનીમાં અંદાજે રૂ.5.57 લાખના કુરિયર પાર્સલોની ચોરીનો પર્દાફાશ થયો છે. કંપનીના આંતરિક તપાસ દરમિયાન શાખા ઇન્ચાર્જ સહિત ચાર કર્મચારીઓની સંડોવણી સામે આવતા કંપનીના એરિયા મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર બનાવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
તરસાલી વિસ્તારમાં રહેતા અને સેડોફેક્સ કંપનીના વડોદરા તથા આસપાસના વિસ્તારોના એરિયા મેનેજર કૃણાલ લક્ષ્મણભાઈ નાગર માંજલપુર, અકોટા, છાણી, વાઘોડિયા અને અટલાદરા એમ પાંચ શાખાઓ કાર્યરત છે. સુરત સ્થિત મુખ્ય કચેરીમાંથી મળેલી જાણકારી મુજબ અકોટા અને અટલાદરા શાખાના કુરિયર પાર્સલો સતત ગુમ થતા હોવાનું સામે આવ્યું હતું.
કંપની દ્વારા CCTV ફૂટેજની તપાસ કરતાં માંજલપુર શાખાના કર્મચારીઓ રાજેશ સપકાલ અને રોશન માલુસરે કન્ટેનરમાંથી ઉતારેલી કુરિયર બેગો પોતાની એક્ટિવામાં લઈ જતા દેખાયા હતા. ત્યારબાદ ગુમ થયેલા પાર્સલો અંગે ગ્રાહકોનો સંપર્ક કરતાં કેટલાક પાર્સલ ડિલિવર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ઓનલાઈન પેમેન્ટની તપાસમાં રકમ કંપનીના કર્મચારી દેવાંગ ઠાકોરના ખાતામાં જમા થઈ હોવાનું બહાર આવ્યું હતું.
કંપનીના અધિકારીઓએ પૂછપરછ કરતાં રાજેશ સપકાલ, દેવાંગ ઠાકોર અને રોશન માલુસરેએ માંજલપુર શાખાના ઇન્ચાર્જ અંકિત કીચનના કહેવાથી પાર્સલોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેમજ કેશ ઓન ડિલિવરી પાર્સલો ગ્રાહકોને પહોંચાડી તેમાંથી મળતી રકમ અંકિત કીચનને આપવામાં આવતી હોવાનું પણ જણાવ્યું હતું. તા.13 ફેબ્રુઆરીથી 7 જૂન 2026 દરમિયાન રૂપિયા 5.57 લાખના કુરિયર પાર્સલોની ચોરી કરવામાં આવી હતી. સમગ્ર કૌભાંડ સામે આવતા કંપનીએ અંકિત અનિલકુમાર કીચન, રાજેશ સંતોષ સપકાલ, દેવાંગ તુલસીદાસ ઠાકોર અને રોશન ભાઉસાહેબ માલુસરે સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


