- આજે મ્યુનિ. કમિ.અરુણ મહેશ બાબુએ પંડ્યા બ્રિજ, ફતેગંજ બ્રિજ સહિત વિવિધ બ્રિજોની મુલાકાત લીધી
- બ્રિજોની ચકાસણી માટે કમિટી બનાવી, બે બ્રિજ સલામતીના ભાગરૂપે બંધ

વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મહીસાગર નદી ઉપરના મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ કોર્પોરેશનની ચિંતામાં વધારો કરી દીધો છે. આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ શહેરના પંડ્યા બ્રિજ, ફતેગંજ બ્રિજ સહિત વિવિધ બ્રિજોની મુલાકાત લીધી હતી. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં બ્રિજોની ચકાસણી માટે કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીને બ્રિજોની ચકાસણી કરી ત્રણ દિવસમાં રિપોર્ટ આપવા સૂચના આપવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, એક માસ પહેલાં એજન્સીઓ પાસે 43 બ્રિજોનું સર્વે કરાવવામાં આવ્યું હતું. છતાં, કોર્પોરેશન એજન્સીઓ ઉપર વિશ્વાસ ન રાખતા શહેરના લોકોની સુરક્ષાના ભાગરૂપે સિટી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં કમિટી તપાસ કરશે. આ કમિટીમાં સિટી એન્જિનિયર, બ્રિજ પ્રોજેક્ટ ઇજનેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી તમામ બ્રિજોની ચકાસણી કરી ત્રણ દિવસમા રિપોર્ટ સોંપવા સૂચના આપવામાં આવી છે.


મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ વધુમાં જણાવ્યું હતું કે, કોર્પોરેશનની કમિટીના રિપોર્ટ બાદ એજન્સી દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ સાથે રિવેરીફાઇ કરવામાં આવશે. અમે કોઇ રીસ્ક લેવા માંગતા નથી. શહેરના લોકોની સુરક્ષા માટે જે કોઇ પગલાં લેવામાં આવશે.
વડોદરા કોર્પોરેશને દાવો કર્યો છે કે, શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક કાલાઘોડા બ્રિજ સહિત શહેરના 43 બ્રિજ પૈકી 41 બ્રિજ સહી સલામત છે. એક ફૂટ બ્રિજ સહિત બે બ્રિજ સલામતીના ભાગરૂપે બંધ કરાયેલા છે. જોકે, આશરે 50 વર્ષ જૂનો મનાતો અને ચોવીસ કલાક વાહનોથી ધમધમતો પંડ્યા રેલવે ઓવરબ્રિજ (શાસ્ત્રી રેલવે ઓવરબ્રિજ) સમારકામ માગી રહ્યો છે. તંત્ર દ્વારા આ બ્રિજ પ્રત્યે ઉદાસીનતા દાખવશે તો ગંભીરા બ્રિજ જેવી હોનારત સર્જાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

ગુરૂવારે વડોદરા કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં કુલ 43 બ્રિજ આવેલા છે. જેમાં 22 રિવર ઓવરબ્રિજ, 14 રેલવે ઓવરબ્રિજ, 4 ફ્લાવર અને 1 અન્ય મળી કુલ 43 બ્રિજનો સમાવેશ થાય છે. ગત જૂન, 2025માં તમામ બ્રિજોનો સર્વે કરવામાં આવ્યો હતો અને આ સર્વેમાં તમામ બ્રિજ સહી સલામત હોવાનું જણાવ્યું છે. જોકે સર્વેમાં પંડ્યા રેલવે બ્રિજ, પ્રતાપ નગર રેલવે ઓવર બ્રિજ, કાલાઘોડા રીવર ઓવરબ્રિજ સહિત અન્ય બ્રિજો ઉપર નાના-મોટા સમારકામ કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું. જે સૂચનોના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા સમારકામ પણ કરવામાં આવ્યું છે અને આવી રહ્યું છે. આમ છતાં પણ પંડ્યા રેલવે ઓવર બ્રિજને હજુ વધુ સમારકામ કરવાની જરૂરિયાત હોઇ, તંત્ર દ્વારા આગામી ટૂંક સમયમાં સમાર કામની શરૂઆત કરવામાં આવશે.
સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે 43 બ્રિજ પૈકી 2 બ્રિજ જાંબુવા અને કમાટીબાગ સ્થિત ફૂટ બ્રિજ સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે. આમ વડોદરા શહેરમાં આવેલા 43 બીજો પૈકી 41 બ્રિજો સલામત છે.


