MS યુનિવર્સિટીમાં BBA અને B.Comમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ, GCAS પોર્ટલ પર નોંધણી ફરજિયાત

ઓનલાઇન માર્કશીટ અને બર્થ સર્ટિ અપલોડ કરી રજિસ્ટ્રેશન કરી શકશે

MailVadodara.com - Admission-process-for-BBA-and-BCom-has-started-in-MS-University-registration-on-GCAS-portal-is-mandatory

- GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે BBAના વિદ્યાર્થીઓ માટે અંતિમ તારીખ 17 મે અને FY B.Comમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ 26મી મે સુધી નોંધણી કરાવી શકશે

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા (MSU)માં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા FY BBA અને FY B.Com માં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મહત્વની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓએ MSUIS પોર્ટલ પર સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન કરી ફી ભરી હશે, તેઓ જ પ્રવેશ પરીક્ષા આપી શકશે અને પ્રવેશ માટે લાયક ગણાશે. જોકે, આ વિદ્યાર્થીઓ માટે સરકારના GCAS પોર્ટલ પર પણ નોંધણી કરાવવી અનિવાર્ય છે.

આ અંગે કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો પ્રજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે, BBAના વિદ્યાર્થીઓ માટે GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ 17 મે, રાત્રે 11.59 વાગ્યા સુધી રાખવામાં આવી છે. હાલમાં ઘણા વિદ્યાર્થીઓ પાસે માર્કશીટ અને લિવિંગ સર્ટિફિકેટ (LC) ન હોવાથી તેઓને પડતી મુશ્કેલીને ધ્યાને રાખીને રાહત આપવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓ અસલ માર્કશીટના બદલે ઈન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલી માર્કશીટ અને LC ના બદલે પોતાનું જન્મનું પ્રમાણપત્ર અપલોડ કરીને પણ રજીસ્ટ્રેશન પૂર્ણ કરી શકશે.

એ જ રીતે, FY B.Com માં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ પણ 26મી મે સુધી GCAS પોર્ટલ પર નોંધણી કરાવી શકશે. વધુમાં, યુનિવર્સિટી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે કે જ્યારે પણ વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપવા આવે ત્યારે તેમણે પોતાની સાથે એક માન્ય ઓળખપત્ર (ID Card) અને MSUIS પોર્ટલ પર ભરેલી ફીની રસીદ સાથે રાખવી ફરજિયાત છે. આ દસ્તાવેજો વગર વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

Share :

Leave a Comments