- પોલીસે રાજવીરસિંઘ તેવરસિંઘ (જાતે મજબી શીખ, રહે. વૃંદાવનનગર સોસાયટી, બાજવા, વડોદરા, મૂળ રહે. ગામ જલાલ ઉસ્મા, પોલીસ સ્ટેશન મહેતા, અમૃતસર, પંજાબ)ની ધરપકડ કરી
ગુજરાત એ.ટી.એસ., વડોદરા શહેર એસ.ઓ.જી. અને જવાહરનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે પંજાબ પોલીસના સી.આઇ.એ. અમૃતસર ગ્રામ્યના સહયોગથી હત્યાના ગંભીર ગુનામાં આરોપી રાજવીરસિંઘ તેવરસિંઘની ધરપકડ કરી છે. આ શકમંદને પંજાબ પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે.

વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જરૂરી સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના આધારે, જંડીયાલા પોલીસ સ્ટેશન, અમૃતસર ગ્રામ્ય, પંજાબ ખાતે નોંધાયેલ ગુના તથા આર્મ્સ એક્ટના ગુનાની તપાસ માટે પંજાબ પોલીસ વડોદરા શહેરમાં આવી હતી.
તા.10 અને 11 ઓગસ્ટના રોજ ગુજરાત એ.ટી.એસ., વડોદરા એસ.ઓ.જી. અને જવાહરનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદનું લોકેશન નવદુર્ગા સોસાયટી, બાજવા, વડોદરા ખાતે શોધી કાઢ્યું હતું. જોકે, શકમંદે તેનો મોબાઇલ ફોન બંધ કરી દીધો હોવાથી પોલીસે વૃંદાવનનગર સોસાયટી, ગધેડા ગેટ પાસે, બાજવા ખાતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ ઓપરેશન દરમિયાન શકમંદ રાજવીરસિંઘ તેવરસિંઘ (જાતે મજબી શીખ, રહે. વૃંદાવનનગર સોસાયટી, બાજવા, વડોદરા, મૂળ રહે. ગામ જલાલ ઉસ્મા, પોલીસ સ્ટેશન મહેતા, અમૃતસર, પંજાબ)ની ગુનામાં ઉપયોગમાં લીધેલ મોબાઇલ ફોન સાથે ધરપકડ કરવામાં આવી હતી. તેને પંજાબ પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે.


