અમેરિકાની બેંકમાંથી 4 કરોડની લોનનું લાલચ આપી આરોપીએ વેપારી પાસેથી રૂા.17.71 લાખની ઠગાઈ

ખોટી અમેરિકન બેંકના દસ્તાવેજો આપ્યા, ગોરવા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

MailVadodara.com - Accused-defrauds-businessman-of-17-71-lakh-by-luring-him-with-the-promise-of-a-4-crore-loan-from-an-American-bank

- ઓનલાઈન તપાસમાં બેંક અસ્તિત્વમાં ન હોવાનું ખુલ્યું, પ્રોસેસિંગ ફીના નામે રૂપિયા વસૂલ્યા

વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા સ્ટીલના વેપારી સાથે અમેરિકાની કથિત બેંકમાંથી રૂ.4 કરોડની બિઝનેસ લોન અપાવવાનું લાલચ આપી 17.71 લાખ રૂપિયા પડાવી લીધા છે. આરોપીએ લોન મંજૂર કરાવવાના નામે પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જ તરીકે મોટી રકમ વસૂલ્યા બાદ ખોટા દસ્તાવેજો આપી દીધા હતા. આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં સ્ટીલનો વ્યવસાય કરતા આદિત્ય નિતીનભાઈ પારેખને ધંધાના વિસ્તરણ માટે મૂડીની જરૂર હતી. ડિસેમ્બર-2022 દરમિયાન તેમની મુલાકાત માંજલપુરના રહેવાસી રાકેશકુમાર જગદીશચંદ્ર ઠાકોર સાથે થઈ હતી. અગાઉ પણ આરોપીએ લોનની વ્યવસ્થા કરાવી આપી હોવાથી તેના પર વિશ્વાસ મૂક્યો હતો. આરોપીએ અમેરિકાની એસ.ડી.ટી.બી. બેંક ટેક્સાસમાંથી 6થી 8 મહિનામાં 4 કરોડ રૂપિયાની બિઝનેસ લોન મંજૂર કરાવી આપવાનું વચન આપ્યું હતું.

ત્યારબાદ જરૂરી દસ્તાવેજો મેળવી પ્રોસેસિંગ ફી અને ફ્રન્ટ ફીના નામે 17.71 લાખ રૂપિયા વસૂલ્યા હતા. ઠગો દ્વારા વેપારી સાથે એગ્રીમેન્ટ પણ કરવામાં આવ્યું હતું અને તેમની પાસેથી કરોડો રૂપિયાના પોસ્ટ-ડેટેડ ચેક પણ લેવામાં આવ્યા હતા, જોકે નક્કી કરેલા સમયગાળા બાદ પણ લોન મંજૂર ન થતાં વેપારીએ તપાસ શરૂ કરી હતી. આરોપી પાસે બેંકના પુરાવા માંગતાં તેણે ઇ-મેઇલ મારફતે એસ.ડી.ટી.બી. સ્વિસ ડિજિટલ ટ્રસ્ટ બેંકના નામે દસ્તાવેજો મોકલ્યા હતા. વેપારીએ ઓનલાઈન તપાસ કરતાં આવી કોઈ બેંક અસ્તિત્વમાં જ ન હોવાનું જાણવા મળ્યું હતું.

બાદમાં આરોપીએ રૂપિયા પરત આપવાના બહાને 17.71 લાખ રૂપિયાના બે ચેક આપ્યા હતા, પરંતુ બંને ચેક બેંકમાં ડિપોઝિટ કરતાં બાઉન્સ થયા હતા. જેના કારણે વેપારીએ અગાઉ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ-138 હેઠળ કોર્ટમાં કાર્યવાહી શરૂ કરી હતી. આરોપીએ ખોટા અને બનાવટી દસ્તાવેજોના આધારે રૂપિયા પડાવી લીધા હતા. જેથી પોલીસે છેતરપિંડી ફરિયાદ નોંધી વધુ આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments