વડોદરામાં અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આત્મહત્યાના બે કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જેમાં કેલનપુર ખાતે એક મહિલાએ લાંબા સમયની બીમારીથી કંટાળીને ઘરના બીજા માળના ધાબા પરથી કૂદીને પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે પાદરા તાલુકાના ડબકા ગામે પિતાએ કામધંધો ન કરવા બાબતે ઠપકો આપતા યુવકે ઝેરી દવા ગટગટાવી લેતા તેનું મોત નીપજ્યું છે. આ બંને બનાવો અંગે સ્થાનિક પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
બીમારીથી કંટાળી મહિલાનો મકાનના બીજા માળેથી પડતું મૂકી આપઘાત
પ્રથમ ઘટનાની વિગત મુજબ, વરણામા પોલીસ સ્ટેશન હેઠળના કેલનપુર ગામની અક્ષર સિટી સોસાયટીમાં રહેતા 52 વર્ષીય રામીલાબેન રાઠવા છેલ્લા ઘણા સમયથી થાઈરોઈડ, બ્લડ પ્રેશર (બી.પી.) તેમજ મગજની બીમારીથી પીડાતા હતા. આ સતત રહેતી બીમારી શારીરિક અને માનસિક રીતે અસહ્ય બની જતાં તેઓ કંટાળી ગયા હતા. જેના કારણે પોતાના મકાનના બીજા માળના ધાબા પરથી નીચે જમીન ઉપર પડતું મૂક્યું હતું. ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જે અંગે તેમના પુત્ર ભાવેશભાઈ રાઠવાએ પોલીસને જાણ કરી હતી.
ડબકા (બોડા તલાવડી) ગામે પિતાએ ઠપકો આપતા યુવકે દવા ગટગટાવી
બીજી ઘટના વડુ પોલીસ સ્ટેશનની હદમાં આવતા પાદરા તાલુકાના ડબકા (બોડા તલાવડી) ગામે બની હતી. અહીં રહેતો 30 વર્ષીય યુવાન રમેશ સોલંકી કોઈ કામધંધો કરતો ન હોવાથી તેના પિતા સુરસિંગભાઈ સોલંકીએ તેને ઠપકો આપ્યો હતો. પિતાનો આ ઠપકો રમેશને મનમાં લાગી આવતા, તેણે પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હતી.
તબિયત લથડતાં તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વડુ સરકારી દવાખાનામાં અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બંને બનાવો સંદર્ભે વરણામાં અને વડુ પોલીસે અકસ્માત મોતના ગુના દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


