- એફડી તોડાવી ઠગોએ રૂપિયા પડાવ્યા, 1930 પર ફરિયાદ બાદ પોલીસ તપાસ શરૂ
વડોદરાના ન્યૂ સમા વિસ્તારમાં રહેતી EMEના નિવૃત્ત સુપ્રિટેન્ડન્ટ સાથે મેક્સ લાઈફ ઇન્શ્યોરન્સ પોલિસી બંધ કરાવી રૂપિયા પરત અપાવવાના બહાને સાયબર ઠગોએ રૂ.4.99 લાખથી વધુની રકમ પડાવી છેતરપિંડી આચરી હતી. ઠગોએ પોતાને ઇન્શ્યોરન્સ કંપનીના અધિકારી તરીકે ઓળખાવી વિશ્વાસમાં લઈને તબક્કાવાર અલગ-અલગ બેંક ખાતાઓમાં રકમ ટ્રાન્સફર કરાવી હતી. નિવૃત્ત મહિલાએ ઠગ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ સમા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
શહેરના ન્યૂ સમા વિસ્તારમા આવેલી રૂદ્રાક્ષ રેસિડેન્સીમાં રહેતી અને ઈલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ (EME) આર્મી, ફતેગંજમાંથી સુપરિન્ટેન્ડન્ટ તરીકે નિવૃત્ત થયેલી લતા રવિન્દ્ર દાવડકરે નોધાવેલી ફરિયાદ મુજબ તેમને 7 માર્ચે એક અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો. કોલ કરનારે પોતાનું નામ વિશાલ શર્મા જણાવી મેક્સ લાઈફ ઇન્શ્યોરન્સ પોલિસી પર બોનસ ક્લેમ થયાનું કહી અન્ય નંબર પર સંપર્ક કરવા જણાવ્યું હતું.
ત્યારબાદ બીજા વ્યક્તિએ પોલિસી બંધ કરાવવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, બ્લેન્ક ચેક અને ઓટીપી માગી લીધો હતો. દસ્તાવેજો મેળવ્યા બાદ ઠગોએ પોલિસી ક્લોઝ કરવાની પ્રક્રિયાના નામે અલગ-અલગ બેંક ખાતાઓમાં રકમ જમા કરાવવાનું શરૂ કરાવ્યું હતુ. શરૂઆતમાં રૂ.52 હજારની માંગણી કરવામાં આવી હતી અને ત્યારબાદ વિવિધ હપ્તામાં રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.
આ દરમિયાન મહિલાએ પોતાની એફડી તોડાવી રૂ.1.20 લાખ તેમજ બાદમાં વધુ એક એફડી તોડીને રૂ.2.95 લાખ પણ એનઈએફટી મારફતે ઠગોએ આપેલા ખાતામાં જમા કરાવ્યા હતા. દરેક ચુકવણી બાદ મેક્સ લાઈફ ઇન્શ્યોરન્સના નામે નકલી રસીદો વોટ્સએપ પર મોકલી જાળમાં ફસાવવામા આવ્યા હતા. બાદમાં ગીતા બેનરજી નામની મહિલાએ ફોન કરી ફોર્મ અપલોડ કરવાના બહાને વધુ રૂપિયા માંગ્યા હતા. છેલ્લી ચુકવણી બાદ આરોપીઓએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું અને મોબાઇલ નંબર પણ બંધ થઈ જતા મહિલાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
ત્યારબાદ તેમણે સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે અજાણ્યા શખ્સોએ વિશાલ શર્મા અને ગીતા બેનરજીના નામે ખોટી ઓળખ આપી રૂ.4.99 લાખ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી મહિલા સાથે છેતરપિંડી આચરી હતી. સમા પોલીસે ફરિયાદના આધારે ઠગોનું પગેરુ મેળવવા તજવીજ હાથ ધરી છે.


