- ફતેગંજ-પાણીગેટના બે ગુનાઓનો ભેદ ઉકેલાયો, એક્ટિવા અને સોનાની ચેઈન કબજે
વડોદરામાં ભુવાનો વેશ ધારણ કરી નિર્દોષ નાગરિકોને વિધિના બહાને ભોળવી સોનાના દાગીના પડાવી રફુચક્કર થઈ ગયેલા એક રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. અમદાવાદના પિપળેજ વિસ્તારમાં રહેતા આ ઠગ પાસેથી ગુનામાં વપરાયેલી એક્ટિવા અને સોનાની ચેઈન સહિત કુલ 2,33,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. વડોદરાના ફતેગંજ અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈના બે મોટા ગુનાઓનો ભેદ ઉકેલાઇ ગયો છે.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમો પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પી.એસ.આઈ. બી.એસ.વાળાની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે, રાજમહેલ રોડ પર નવલખી ગ્રાઉન્ડ મહાદેવજીના મંદિર પાસેથી એક શંકાસ્પદ ઇસમને અટકાવવામાં આવ્યો હતો. ગળામાં કેસરી ગમચો પહેરીને નંબર પ્લેટ વગરની એક્ટિવા પર જઈ રહેલા મુકેશનાથ ઉર્ફે મુગડો નટવરનાથ મદારી (ચૌહાણ) (ઉં.વ. 35, રહે. ઠાકર મંદિરની ગલીમાં, ભરવાડવાસ, પિપળેજ, સરખેજ રોડ, અમદાવાદ, મૂળ રહે. ગણેશપુરા, તા. દહેગામ, જિ. ગાંધીનગર)ની તલાશી લેતા તેના ખિસ્સામાંથી સોનાની ચેઈન મળી આવી હતી.
પોલીસની સઘન પૂછપરછમાં આરોપીએ ચોંકાવનારી કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું કે, તે અને તેનો સાગરીત અઢી મહિના પહેલા વડોદરા આવ્યા હતા અને પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે એક નાગરિકને 'ભુવા' તરીકે ઓળખ આપી, વિધિ કરવાના બહાને સોનાની વીંટી પડાવી લીધી હતી. આ ઉપરાંત, 15 દિવસ પહેલા જુના છાણી રોડ મહાકાળી મંદિર પાસે પણ આવી જ રીતે એક વ્યક્તિને વાતોમાં ભોળવી તેની સોનાની ચેઈન કઢાવીને ઠગાઈ આચરી હતી.
ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપી મુકેશનાથ મદારી અગાઉ પણ ગુજરાતના જુદા-જુદા શહેરોમાં ઠગાઈ અને ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે.


