- પોલીસે આરોપી પાસેથી 558 ગ્રામ વનસ્પતિજન્ય સૂકો ગાંજો જેની કિંમત 27,600, એક્ટિવા સ્કૂટર, પ્લાસ્ટિકની થેલીઓ અને સ્ટેપલર સહિત 77,900નો મુદ્દામાલ જપ્ત કર્યો
વડોદરા શહેરના યુવાધનને માદક પદાર્થો અને ડ્રગ્સની ચુંગાલમાંથી મુક્ત કરવા પોલીસ દ્વારા અવાર નવાર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે કપુરાઈ પોલીસે સોમા તળાવ વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી ગાંજા સહિત કુલ રૂપિયા 77,900 ના મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. રાઓલ અને ટીમ પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન સોમા તળાવ બ્રિજ ચડતા પહેલાં ભંગારની દુકાન સામે લાલાભાઈ કનુભાઈ રાઠોડ નામનો ઈસમને શંકાના આધારે ઝડપી લેવામાં આવ્યો હતો. એક્ટિવાની અંદર વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો રાખીને તેનું વેચાણ કરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું.
બાતમીના આધારે કપુરાઈ પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે રેઇડ કરીને લાલસિંહ ઉર્ફે લાલો કરણસિંહ ઉર્ફે કનુભાઈ રાઠોડ (રહે. મંદિરવાળું ફળિયું, સોમા તળાવ બ્રિજ પાસે, વડોદરા) નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસને તેની પાસેથી 558 ગ્રામ વનસ્પતિજન્ય સૂકો ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત 27,600 થાય છે. આ ઉપરાંત 50,000ની કિંમતનું એક્ટિવા સ્કૂટર, પ્લાસ્ટિકની થેલીઓ અને સ્ટેપલર સહિત કુલ 77,900નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ સફળ કામગીરી બાદ કપુરાઈ પોલીસે પકડાયેલા આરોપી સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય એક મુખ્ય આરોપી અશ્વિનીકુમાર (રહે. રેલ્વે પટરી પાસે, સુરત)ને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.


