- કારમાં મૃતદેહ જોઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી, ઉચ્ચ અધિકારીઓ સહિત રાવપુરા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો,
- મૃતકનું નામ બાબુસિંઘ ચૌહાણ છે અને તે કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા

વડોદરા શહેરમાં અસામાજિક તત્વોના વધતા જતા આતંક વચ્ચે વધુ એક ચોંકાવનારો હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના મધ્યભાગમાં દાંડિયા બજાર વિસ્તારમાં 28 મેએ મોડીરાત્રે એક કારમાંથી યુવકની ઘાતકી રીતે હત્યા કરાયેલી લોહીથી લથપથ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં સન્નાટો વ્યાપી ગયો છે. સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે.



પ્રાપ્ત વિગતો અનુસાર, દાંડિયા બજારના જાંબુબેટ વિસ્તારમાં આવેલી રામ વે પ્લાઝા વાળી ગલીમાંથી મોડીરાત્રે સ્થાનિક નાગરિકોની નજર આ ગાડી પર પડતા, અંદર એક વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેમણે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતકનું નામ બાબુસિંઘ ચૌહાણ છે અને તે કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. જેને કોઈ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાની પ્રબળ આશંકા છે.


આ સનસનાટીભર્યા બનાવની જાણ થતાં જ વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત રાવપુરા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સમગ્ર ઘટનાસ્થળને કોર્ડન કરી પુરાવા એકત્રિત કરવા માટે FSL અને ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી. જ્યારે મૃતદેહને પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં જ સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. શહેરના ડીસીપી ઝોન 2 મંજીતા વણઝારા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.


સમગ્ર મામલે ડીસીપી ઝોન - 2 મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, પોલીસને માહિતી મળી હતી કે, દાંડિયાબજાર વિસ્તારમાં એક અકસ્માત થયો છે. જેના આધારે સ્થળ ઉપર પહોંચીને તપાસ કરતા કારમાંથી એક લાશ મળી હતી. પ્રાથમિક તબક્કે ચપ્પુ મારીને હત્યા કરી હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે. ગમે તેટલા શાતિર હશે, તેમને છોડવામાં નહીં આવે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે અને ટૂંક સમયમાં જ આ હત્યાનો ભેદ ઉકેલાઈ જશે.


મધ્યરાત્રિએ બનેલી આ ઘટના પાછળ અંગત અદાવત છે, નાણાકીય લેણદેણ છે કે પછી કોઈ અન્ય કારણ, તે હજી સુધી જાણી શકાયું નથી. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યાનું ચોક્કસ કારણ હાલ અકબંધ છે. રાવપુરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે આસપાસના CCTV ફૂટેજ મેળવી રહી છે અને શકમંદોની પુછપરછ હાથ ધરી છે.


