- સાંકરદાના માઢ ફળિયામાં રહેતો ચિરાગકુમાર મનોજભાઈ જાધવ પોતાની બાઇક પર કરોળીયાથી રણોલી ખાતે આવેલી ઇન્ડિયન એન્જિનિયરિંગ કંપનીમાં કામે જઈ રહ્યો હતો
- વીજળીના પોલ સાથે ધડાકાભેર અથડાયા બાદ ગંભીર ઈજા થતા મોત
વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર દશરથ GSFC સર્વિસ રોડ પરથી દશરથ ગામ તરફ જતા માર્ગે 20 વર્ષીય યુવકની બાઇક રોડ કિનારે આવેલા લાઇટના પોલ સાથે ધડાકાભેર અથડાતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.આ મામલે છાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતમાં મૃતકની ઓળખ ચિરાગકુમાર મનોજભાઈ જાધવ (ઉં.વ. 20, રહે. 261 માઢ ફળિયું, સાંકરદા, વડોદરા) તરીકે થઈ છે. મૃતકના ભાઈ પ્રીતેશભાઈ જાધવે છાણી પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ મુજબ, ચિરાગકુમાર પોતાની બાઇક પર કરોળીયાથી રણોલી ખાતે આવેલી ઇન્ડિયન એન્જિનિયરિંગ કંપનીમાં કામે જઈ રહ્યો હતો.
આ દરમિયાન તેણે નેશનલ હાઇવે 48ના દશરથ GSFC સર્વિસ રોડ પરથી દશરથ ગામ તરફ જવાના માર્ગે બાઇક ચલાવતી વખતે રોડની સાઇડમાં આવેલા લાઇટના પોલ સાથે જોરદાર અથડાતા માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં છાણી પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ ઘટનામાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.


