- અગાઉ બે ભાઈઓનું મોત નીપજ્યું હોવાથી આ મોતે પરિવારને વધુ લાચાર બનાવી દીધો
- ત્રીજો કમાઉ દીકરો પણ ગુમાવ્યો, મૃતક રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતો

વડોદરા શહેરમાં દિન-પ્રતિદિન અકસ્માત સાથે હાર્ટ એટેકના બનાવોમાં સત્તત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે શહેરના રાજમહેલ રોડ પર એક રીક્ષાચાલક યુવક ચાલુ રીક્ષાએ અચાનક ચક્કર આવતા ઢળી પડ્યો હતો. જ્યાં ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું. આ બનાવને લઈ નવાપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


વડોદરા શહેરના રાજમહેલ રોડ પર ચાલુ રીક્ષામાં બેઠેલા ચાલકને હૃદયરોગનો હુમલો આવતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ શૈલેષભાઈ મનસુખભાઈ મીઠાપરા (ઉંમર 45) તરીકે થઈ હતી. તેઓ શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વિશાલ નગરના રહેવાસી હતા અને રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.


તે દરમિયાન આજરોજ રીક્ષા ચલાવતા સમયે અચાનક તેઓને ચક્કર આવતા ડ્રાઈવર સીટ પર જ ઢળી પડ્યા હતા. જ્યાં હૃદયરોગનો હુમલો આવતાં તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે રાજમહેલ રોડ વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો. જે બાદ મૃતકના પરિવારજનોને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.
ઘટનાસ્થળે પહોંચેલી માતા પુત્રના મૃતદેહને જોઈને ભારે આક્રંદ કરી રહી હતી. શૈલેષભાઈ ગરીબ માતાના ત્રીજા પુત્ર હતા અને અગાઉ પણ તેમના બે ભાઈઓનું મોત નીપજ્યું હોવાથી આ મોતે પરિવારને વધુ લાચાર બનાવી દીધો છે. ઘટનાસ્થળે હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. નવાપુરા પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડી મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.


