- આંબેડકર ચોક વિસ્તારમાં રહેતા હિતેશ રમેશભાઈ સોલંકીએ પોતાના ઘરે એંગલમાં સાડી વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવાર પર આફત
વડોદરા શહેરમાં વધુ એક યુવકે જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના નિઝામપુરા વિસ્તારમાં શ્રમજીવી યુવકે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવને લઈ ફતેગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરમાં છેલ્લા બે દિવસમાં ત્રણ યુવકોએ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે શહેરના નિઝામપુરા વિસ્તારમાં શ્રમજીવી યુવકે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નિઝામપુરાના આંબેડકર ચોક વિસ્તારમાં રહેતા હિતેશ રમેશભાઈ સોલંકી ( ઉંમર વર્ષ 35) નામના યુવકે અગમ્ય કારણોસર ઘરે એંગલમાં સાડી વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવાર પર આફત આવી પડી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ યુવક મજૂરી કામ કરતો હતો અને ઘરે માતા સાથે રહેતો હતો. આ યુવકના લગ્ન થયેલ છે પરંતુ કેટલાક સમયથી પત્ની સાથે ન રહેતી હોવાનું પણ સામે આવ્યું છે. આ યુવકે કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. જો કે આ મામલે ફતેગંજ પોલીસે યુવકનું અકસ્માતે મોત અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


