- ટ્રકમાંથી 5,371 દારૂ-બીયરના નંગ મળ્યા, બે આરોપી ઝડપાયા અને બેને વોન્ટેડ જાહેર કરાયા
વડોદરાના સયાજીપુરા વિસ્તારમાં કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમે દરોડો પાડી પશુદાણની આડમાં મધ્યપ્રદેશથી લવાતો વિદેશી દારૂ 30.81 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી બે આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આંતરરાજ્ય નેટવર્ક સામે વધુ તપાસ હાથ ધરી છે.
કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.સી. રાઓલ અને ટીમ પેટ્રોલિંગમાં હતા ત્યારે આઈસર ટ્રકમાં દારૂ આવતો હોવાની ચોક્કસ બાતમી મળ3ી હતી. સયાજીપુરા ફ્રૂટ માર્કેટ પાસે પ્લોટ નંબર 299 નજીક ટ્રકમાં પશુદાણની આડમાં વિદેશી દારૂનો જથ્થો ખાલી કરાય તે પહેલા જ પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની બોટલો તેમજ બીયર ટીન મળી કુલ 5,371 નંગ (કિંમત 15,11,825) જપ્ત કર્યા હતા. આ ઉપરાંત બે મોબાઈલ ફોન, આઈસર ટ્રક અને 60 પ્લાસ્ટિકની પશુદાણની ગુણો મળી કુલ 30,81,825 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસે સ્થળ પરથી પ્રકાશ સિંગાડ અને પ્રભુ વાનીયા નામના બે આરોપીઓની અટકાયત કરી છે. બંને આરોપીઓ મધ્યપ્રદેશથી આઈસર ટ્રકમાં દારૂ ભરી ગુજરાતમાં હેરાફેરી કરતા હતા. આ કેસમાં દારૂ મોકલનાર ભવાનીસિંહ અને જથ્થો મંગાવનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરાઈ છે.


