આજવા રોડના વેપારીને નકલી ટ્રાફિક ચલણની લિંક મોકલી ગઠિયાએ ખાતામાંથી 98,922 ઉપાડી લીધા

સયાજીપુરા શાક માર્કેટના વેપારીએ લિંક ખોલતા ઓટીપી આવ્યા, બાપોદ પોલીસમાં ફરિયાદ

MailVadodara.com - A-fraudster-withdrew-98922-from-an-Ajwa-Road-traders-account-after-sending-a-link-for-a-fake-traffic-challan

વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં રહેતા અને શાક માર્કેટમાં વેપાર કરતા એક વેપારીના મોબાઈલ પર નકલી ટ્રાફિક ચલણની લિંક મોકલીને સાયબર ઠગ્સે તેમના બેંક ખાતામાંથી રૂા. 98,922ની રકમ ઓનલાઈન ઉપાડી લીધી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે પીડિત વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના આજવા રોડ પર રહેતા અને સયાજીપુરા એ.પી.એમ.સી. શાક માર્કેટમાં 'શ્રી ગણેશ એગ્રો' નામની દુકાન ચલાવતા કિરીટભાઈ મોહનભાઈ પરમાર સાથે આ સાયબર ફ્રોડ થયું છે. કિરીટભાઈનું ખોડીયારનગર ચાર રસ્તા ખાતે આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં સેવિંગ્સ એકાઉન્ટ આવેલું છે. તેઓના મોબાઇલ નંબર પર એક ટેક્સ મેસેજ આવ્યો હતો. જેમાં ટ્રાફિક ફાઈન ભરવા માટેની એક લિંક આપવામાં આવી હતી. જ્યારે તેમણે આ લિંક ઓપન કરી, ત્યારે તેમના મોબાઈલ પર અલગ-અલગ બેંકોના ઓ.ટી.પી. આવવા લાગ્યા હતા, જે તેમણે ડિલીટ કરી દીધા હતા.

ત્યારબાદ, તેમના મોબાઈલ પર સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી રકમ કપાઈ હોવાના મેસેજ આવ્યા હતા. ખાતાની ઓનલાઈન ચકાસણી કરતા અલગ અલગ ટ્રાન્ઝેક્શન આઈડી દ્વારા રૂપિયા 98,922ની રકમ સાયબર ઠગોએ ઉપાડી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવી હતી. આ મામલે બાપોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments