- પતિ ઘરખર્ચ આપતા નહીં અને પરિવારને સમય નહોતા આપતા, ભૂલ સ્વીકારી સુધરવાની તક માગી
વડોદરામાં પતિના અનૈતિક સંબંધથી પરેશાન પત્ની અભયમ આવ્યું25 વર્ષના લગ્નજીવન બાદ પતિના પરસ્ત્રી સાથેના સંબંધની જાણ થતા પત્નીના પગ નીચેથી જમીન સરકી ગઈ
વડોદરા શહેરમાં પત્નીએ પતિના પરસ્ત્રી સાથેના પ્રેમસંબંધને લઈને 181 અભયમ મહિલા હેલ્પલાઇન પાસે મદદ માગી હતી. જેથી અભયમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે પતિને સમજાવીને પરિવારનું મહત્વ સમજાવ્યું હતું. અંતે પતિએ પોતાની ભૂલ સ્વીકારી સુધરવા માટે એક તક માગતા બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું.
મહિલાએ 181 અભયમની ટીમને જણાવ્યું હતું કે, તેમના લગ્નને આશરે 25 વર્ષ થઈ ચૂક્યા છે અને તેમને બે બાળકો છે, બંને બાળકો યુવાન છે. છેલ્લા 5થી 6 વર્ષથી તેમના પતિને અન્ય એક મહિલા સાથે પ્રેમસંબંધ છે. તેમના પતિ ફોટો સ્ટુડિયો ચલાવે છે અને ત્યાં શાકભાજી વેચવા આવતી એક મહિલા સાથે તેમના સંબંધો બંધાયા હતા.
પત્નીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સંબંધ બાદ પતિ ઘરખર્ચ માટે પૈસા આપતા નથી અને મોબાઇલ ફોન પર સતત તે મહિલા સાથે વાતચીત કરતા રહે છે. તેમજ પત્ની અને પરિવારને પણ પૂરતો સમય આપતા નથી. એક વર્ષ અગાઉ પણ આ બાબતની જાણ થતાં પતિને સમજાવી પરિવાર દ્વારા સમાધાન કરાવવામાં આવ્યું હતું. જોકે, ફરીથી આ પ્રકારની સ્થિતિ સર્જાતા પરિવારજનોની સલાહથી મહિલાએ અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી.
અભયમની ટીમે મહિલાના પતિ સાથે વાતચીત કરી હતી અને તેમને પરિવારની જવાબદારી અને બાળકોના ભવિષ્ય અંગે સમજાવ્યા હતા. અભયમની ટીમે પતિને સમજાવ્યું હતું કે, હવે પરિવાર તરફ ધ્યાન આપવાની અને બાળકોની જવાબદારી નિભાવવાની જરૂર છે. અન્ય સંબંધોમાં ધ્યાન આપવાથી પરિવાર પર તેની નકારાત્મક અસર પડી શકે છે. સાથે જ કાયદાકીય બાબતો અંગે પણ પતિને જાણકારી આપવામાં આવી હતી.
અભયમની ટીમની સમજાવટ બાદ પતિએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને આગળથી સુધારવાનો પ્રયાસ કરવા માટે એક તક આપવા પત્નીને વિનંતી કરી હતી. ત્યારબાદ બંને પક્ષની સંમતિથી બાંહેધરી લખાણ કરાવવામાં આવ્યું હતું અને દંપતી વચ્ચે સમાધાન કરાવી મામલો થાળે પાડવામાં આવ્યો હતો.


