વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા વેપારી સાથે ફેસબુક પર ટ્રેડિંગની લાલચ આપીને રૂપિયા 20 લાખથી વધુની ઠગાઇ

વેપારીએ રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી

MailVadodara.com - A-trader-residing-in-the-Waghodia-Road-area-was-defrauded-of-over-20-lakh-after-being-lured-into-trading-via-Facebook

વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા એક વેપારી સાથે શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને રૂપિયા 20 લાખથી વધુની ઓનલાઈન ઠગાઈ આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે, જેમાં સાયબર ઠગે સોશિયલ મીડિયાની જાહેરાતોનો સહારો લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદી હર્ષદ સૂર્યવંશી ફેસબુક પર વીડિયો જોઈ રહ્યા હતા ત્યારે શેરમાર્કેટમાં ટ્રેડિંગની જાહેરાત જોઈને એક વોટ્સએપ ગ્રૂપમાં જોડાયા હતા. આ ગ્રૂપના એડમિન અને મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્શિયલ સર્વિસીસના નામે ખોટી ઓળખ આપતી 'કૃપા' નામની યુવતીએ તેમને એક નકલી વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવીને શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કરાવ્યું હતું.

આરોપીઓએ શરૂઆતમાં રોકાણ સામે સારો નફો બતાવીને ફરિયાદીનો વિશ્વાસ જીતી લીધો હતો અને ટુકડે-ટુકડે કુલ રૂપિયા 20,69,000 જેટલી માતબર રકમ જુદા જુદા બેંક ખાતાઓમાં જમા કરાવી લીધી હતી. બાદમાં જ્યારે વેબસાઈટ પર રૂા. 2,11,000 નો નફો બતાવ્યા બાદ નાણાં ઉપાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે વધુ રકમ ભરવાનું દબાણ કરી ખાતું બ્લોક કરી દેવામાં આવ્યું હતું.

આ મામલે છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીએ રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે વાઘોડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments