- મૃતક મહિલાની ઉંમર 33 વર્ષ છે, જેમના વર્ષ 2011માં લગ્ન કર્યા હતા. આ મહિલાને ચાર બાળકો છે. આ મહિલાએ આપઘાત કેમ કર્યો તે પાછળનું ચોકસ કારણ જાણવા મળ્યું નથી

વડોદરાના વારસિયા રિંગ રોડ પર આવેલા શ્રી માઈમાતા મંદિર પાસે એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં નિધિ ફ્લેટ પાછળ રહેતા ધનસાબેન હસમુખભાઈ ચુનારા નામની પરિણીતાએ મંદિરની બાજુમાં આવેલા વડના ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને 112 જનરક્ષક સહિત વારસિયા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પરિણીતાના આ આકસ્મિક પગલાથી પરિવારમાં હૈયાફાટ રુદન મચી ગયું છે, જ્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આપઘાત પાછળના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક મહિલાની ઉંમર 33 વર્ષ છે, જેમના વર્ષ 2011માં લગ્ન કર્યા હતા. આ મહિલાને ચાર બાળકો છે. આ મહિલાએ આપઘાત કેમ કર્યો તે પાછળનું ચોકસ કારણ જાણવા મળ્યું નથી. હાલમાં મહિલાના મૃતદેહને વારસિયા પોલીસે કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે સ્થાનિક મોરેશ્વર ઇંગ્લેએ જણાવ્યું હતું કે, 'હું અહીં વિજયનગરમાં રહું છું. અમારા વિસ્તારમાં આવેલા નિધિ ફ્લેટની પાછળ કાળકા માતાનું મંદિર છે, ત્યાં આ બહેન હંસાબેન ચુનારા રહેતા હતા. તેઓ બકરાં વગેરેનું પાલન કરતા હતા, તેના માટે તેઓ અહીં પીપળાના ઝાડ પર કાયમ ડાળખીઓ કાપવા આવતા હતા.

આજે મને ઘરે ફોન આવ્યો કે કોઈ બહેન અહીં લટકી ગયા છે. મેં અહીં આવીને જોયું અને પી.આઈ.ને જાણ કરી બહેનને નીચે ઉતારવાની વિનંતી કરી હતી. આ બાબતે અત્યારે પોલીસ સ્ટાફ અહીં આવ્યો છે. અમે તેમને નીચે ઉતાર્યા છે અને હાલ તેમનો પરિવાર આક્રંદ કરી રહ્યો છે. તેમને દવાખાને મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે.


