આજવા રોડના નગરગૃહમાં શિક્ષક સન્માન સમારોહ યોજાયો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એપ લોન્ચ કરાઇ

શિક્ષક દિન નિમિત્તે આજે 5 ઓગસ્ટે વડોદરામાં શિક્ષકોનું ભવ્ય સન્માન સમારોહ યોજાયો

MailVadodara.com - A-teacher-felicitation-ceremony-was-held-at-the-Nagargruh-on-Ajwa-Road-and-an-app-for-the-Municipal-Primary-Education-Committee-was-launched

- સમારોહ દરમિયાન શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર શાળાઓ, આચાર્યો, શિક્ષકો અને નિવૃત્ત કર્મચારીઓને રોકડ પુરસ્કાર તેમજ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા

- મંત્રી મનીષાબેન વકીલના હસ્તે પારદર્શી વહીવટની એપનું લોકાર્પણ કરાયું

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા આજે (5 ઓગસ્ટ) શિક્ષક દિન નિમિત્તે આજવા રોડ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે ભવ્ય શિક્ષક સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમાજ અને રાષ્ટ્રના ઘડવૈયા સમાન શિક્ષકોનું ગૌરવ વધારવામાં આવ્યું હતું તેમજ વહીવટી પારદર્શિતા માટે મંત્રી ડૉ.મનીષાબેન વકીલના હસ્તે વહીવટી કામગીરીમાં સરળતા લાવવા માટે તૈયાર કરાયેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.


કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓએ શિક્ષકોના અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું. મંત્રી ડૉ.મનીષાબેન વકીલે ONES TEACHER, ALWAYS TEACHER નો સંદેશ આપી શિક્ષકોના કાયમી મહત્વને ઉજાગર કર્યું હતું. સાંસદ ડૉ.હેમાંગભાઈ જોશીએ જણાવ્યું હતું કે, શિક્ષક અને વિદ્યાર્થીનો સંવાદ અર્જુન અને કૃષ્ણ જેવા માર્ગદર્શક સમાન હોવો જોઈએ. શિક્ષણવિદ્ ડૉ.જયપ્રકાશભાઈ સોનીએ ચાણક્યના વિચારને ટાંકીને કહ્યું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા અને શિક્ષક જ રાષ્ટ્રનિર્માણ માટે સાચા નાગરિકો તૈયાર કરે છે. મેયર ગીતાબેન મકવાણાએ પણ શિક્ષકોને માતા-પિતા પછી મોખરે ગણાવી વંદન કર્યા હતા.

સમારોહ દરમિયાન શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર શાળાઓ, આચાર્યો, શિક્ષકો અને નિવૃત્ત કર્મચારીઓનું વિશેષ સન્માન કરાયું હતું. જેમાં શ્રેષ્ઠ શાળા તરીકે સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા (બપોર), શ્રેષ્ઠ આચાર્ય તરીકે હરેશભાઈ રાઠોડ, શ્રેષ્ઠ શિક્ષક તરીકે અમીતાબેન પટેલ અને શ્રેષ્ઠ બાલવાડી તરીકે માણેકરાવ બાલવાડીને રોકડ પુરસ્કાર તેમજ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સૌથી વધુ હાજરી ધરાવતી શાળાઓ, શિક્ષકો, સી.આર.સી. કો-ઓર્ડિનેટર, સ્પેશિયલ એજ્યુકેટર તેમજ નિવૃત્ત શિક્ષકો અને કર્મચારીઓનું પણ ભાવભેર સન્માન કરાયું હતું.

શાસનાધિકારી ડૉ.વિપુલભાઈ ભરતિયાએ સમિતિની સિદ્ધિઓ અને સીએસઆર (CSR) દ્વારા થયેલા વિકાસની વિગતો રજૂ કરી હતી. વડોદરા નગર પ્રાથમિક શિક્ષક સંઘ અને સ્વેચ્છિક પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ ઉત્કૃષ્ટ આયોજન અને પારદર્શી એપ માટે સમિતિને અભિનંદન પાઠવ્યા હતા, જ્યારે નિવૃત્ત શિક્ષક કિરીટભાઈ વાઘેલાએ સમિતિની ઝડપી કામગીરીની પ્રશંસા કરી હતી. અંતે કેળવણી નિરીક્ષક (વહીવટ) ધવલભાઈ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી અને રાષ્ટ્રગાન સાથે આ ભવ્ય સમારોહનું સફળતાપૂર્વક સમાપન થયું હતું.

શિક્ષક સન્માન સમારોહનો પ્રારંભ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી થયો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અંજનાબેન ઠક્કરે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ.મનીષાબેન વકીલ, મુખ્ય વક્તા સાંસદ ડૉ.હેમાંગભાઈ જોશી, પૂર્વ રજિસ્ટ્રાર ડૉ.જયપ્રકાશભાઈ સોની, વડોદરાના મેયર ગીતાબેન મકવાણા સહિત ધારાસભ્યો, ડેપ્યુટી મેયર અને અનેક અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

Share :

Leave a Comments