- ઇન્સ્ટાગ્રામ રિલથી સંપર્ક થયા બાદ ટાસ્ક અપાયા, ટાસ્ક અને કમિશનની લાલચ આપી યુવતી પાસેથી લાખો પડાવ્યા, બોગસ વેબસાઇટ મારફતે કમિશન બતાવી રકમ પડાવી
વડોદરાના હરણી-વારસિયા રિંગ રોડ વિસ્તારમાં રહેતી એકાઉન્ટન્ટ યુવતી સોશિયલ મીડિયા પર પાર્ટટાઇમ કામની લાલચમાં આવી સાયબર ઠગાઈનો ભોગ બની છે. ઠગોએ ટાસ્કના નામે અને કમિશનની લાલચ આપી તબક્કાવાર યુવતી પાસેથી 10.41 લાખ પડાવી લીધા હતા. છેતરપિંડીનો અહેસાસ થતાં યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
હરણી-વારસિયા રિંગ રોડ સ્થિત દાજી નગર સોસાયટીમાં રહેતી અને એકાઉન્ટન્ટ તરીકે કામ કરતી યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર રિલ જોતી વખતે પાર્ટટાઇમ નોકરીની જાહેરાત પર ક્લિક કર્યું હતું. ત્યારબાદ ઠગોએ વોટ્સએપ મારફતે સંપર્ક કરી Mega Global Network Media Work Platform નામે ગૂગલ પર હોટેલોને ફાઇવ-સ્ટાર રિવ્યૂ આપવાનું કામ સોંપ્યું હતું. શરૂઆતમાં નાના ટાસ્ક બદલ 6,670 કમિશન પેટે ખાતામાં જમા કરાવીને ગઠિયાઓએ તેનો વિશ્વાસ જીત્યો હતો.
વિશ્વાસ કેળવ્યા બાદ યુવતીને ટેલિગ્રામ ગ્રૂપમાં ઉમેરી મોટી રકમના પ્રીપેડ ટાસ્ક આપવામાં આવ્યા હતા. ઠગોએ એક ફેક વેબસાઇટ પર એકાઉન્ટ બનાવી તેમાં ખોટું કમિશન દર્શાવ્યું હતું. ત્યારબાદ 'ટ્રાન્ઝેક્શન ભૂલથી રોકાઈ ગયું હોવાથી એકાઉન્ટ બ્લોક થયું છે' તેવું બહાનું કાઢી, તેને અનબ્લોક કરવા તેમજ ઇન્કમટેક્સ અને ફીના નામે યુવતીના ICICI અને કોટક મહિન્દ્રા બેન્ક ખાતામાંથી 8 અને 9 જુલાઈ દરમિયાન કુલ 10,47,781 ટ્રાન્સફર કરાવી લીધા હતા.
પ્લેટફોર્મની લિન્ક એક્સપાયર થયા બાદ પણ વધુ નાણાંની માંગણી ચાલુ રખાતાં યુવતીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. અગાઉ મળેલા 6,670 બાદ કરતાં યુવતીએ કુલ 10.41 લાખ ગુમાવ્યા હોવાનું સ્પષ્ટ થતાં તેણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


