કુબેર ભવનમાં રિનોવેશન દરમિયાન દિવાલ ધરાશાયી થતાં મજૂર દબાયો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો

ડ્રિલિંગની કામગીરી ચાલુ હતી ત્યારે અચાનક ભીંતનો ભાગ ધરાશાયી થયો હતો

MailVadodara.com - Laborer-trapped-after-wall-collapses-during-renovation-at-Kuber-Bhavan-rushed-to-hospital-in-serious-condition

- ડ્રિલિંગના વાઇબ્રેશનથી દિવાલ તૂટી પડ્યાની આશંકા, સયાજી હોસ્પિટલમાં સારવાર બાદ સ્થિતિ સારી

વડોદરાના કોઠી ચાર રસ્તા પાસે આવેલ સરકારી કચેરી કુબેર ભવન ખાતે ચાલી રહેલા રિનોવેશનના કામ દરમિયાન એક અકસ્માત સર્જાયો છે. ડ્રિલિંગની કામગીરી ચાલુ હતી ત્યારે અચાનક ભીંતનો ભાગ ધરાશાયી થતાં એક મજૂર તેની નીચે દબાઈ ગયો હતો, જેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલમાં તેની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું છે.


વડોદરાના જાણીતા કુબેર ભવન ખાતે છેલ્લા કેટલાક સમયથી જર્જરીત ભાગોના સુધારણા અને રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી અંતર્ગત આજે મજૂરો દ્વારા વિવિધ પ્રકારના બાંધકામ અને રિપેરિંગના કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. કચેરીની ઇમારત જૂની અને જર્જરીત હોવાથી અહીં આ કામગીરી ખૂબ જ જોખમી સાબિત થઈ રહી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, આજે કુબેર ભવનમાં શ્રમિકો દ્વારા ડ્રિલિંગનું કામ કરવામાં આવી રહ્યું હતું. ડ્રિલિંગના વાઇબ્રેશન અથવા અન્ય કારણોસર અચાનક ભીંતનો એક મોટો ભાગ તૂટી પડ્યો હતો. આ ભીંત ત્યાં કામ કરી રહેલા મજૂરો ઉપર પડતા, એક મજૂર નીચે દબાઈ ગયો હતો અને તેને ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતની આ ઘટના બનતાની સાથે જ સ્થળ પર હાજર અન્ય લોકો અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક ધોરણે મજૂરને કાટમાળમાંથી બહાર કાઢી રિક્ષા મારફતે શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હાલમાં સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું છે.

Share :

Leave a Comments