- ગોડાઉનમાંથી ધુમાડો નીકળતા ઘટનાની જાણ થઇ
- ગાજરાવાડી ફાયર સ્ટેશનના જવાનોએ સ્થળ પર પહોંચી આગ બુઝાવી, ગોડાઉનમાં કોઈ હાજર નહીં હોવાથી જાનહાનિ ટળી
શહેરના મકરપુરા એસટી ડેપો નજીકમાં આવેલા સ્વામી રેસીડેન્સી કોમ્પ્લેમાં ફૂટનો ધંધો કરતા એક વેપારીના ગોડાઉનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. બનાવની જાણ કરવામાં આવતા ગાજરાવાડી ફાયર સ્ટેશનના જવાનોએ સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી. સદનસીબે ગોડાઉનમાં કોઈ હાજર નહીં હોવાથી જાનહાનિ થતા ટળી હતી.

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા સ્વામી રેસીડેન્સી કોમ્પ્લેક્સમાં ફ્રુટના ગોડાઉનમાં આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક તપાસ મુજબ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ આગની ઘટનામાં ગોડાઉનમાં રાખેલ માલ સામાન બળી જતા અંદાજે 30 થી 35 હજારનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. ગોડાઉનના માલિક અનિશકુમાર યાદવે જણાવ્યું હતું કે ફ્રુટનું ગોડાઉન હતું. એમાં ત્રણ પેટી સફરજનની અને સંતરા સહિત બીજો માલ સામાન હતો. 30 થી 35 હજાર રૂપિયાનો સામાન હતો. ગોડાઉનમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો ત્યારે ખબર પડી કે અંદર આગ લાગી છે.
ગાજરાવાડી ફાયર સ્ટેશનના એસટીઓ વિનોદભાઈ મોહિતે એ જણાવ્યું હતું કે, ગાજરાવાડી ફાયર સ્ટેશનને ફાયર કંટ્રોલ રૂમમાંથી કોલ મળ્યો હતો કે, મકરપુરા સ્વામી રેસીડેન્સી કોમ્પ્લેક્સ એમાં એક ફ્રુટની દુકાન હતી. એ દુકાનમાં કોઈ કારણસર આગ લાગી હતી. જે શોર્ટ સર્કિટના કારણે લાગી હોય તેમ લાગી રહ્યું છે. ફાયર સેફ્ટી મૂકેલી છે, પણ એ કાર્યરત જણાયેલી નથી. ફાયરની એનઓસી છે કે નહીં એની પણ તપાસ અમે કરી રહ્યા છીએ અને એ તપાસ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.


