વડોદરામાં બેફામ જતાં બાઈક ચાલકે ચાલતા જતાં વૃદ્ધને જોરદાર ટક્કર મારી, સારવાર દરમિયાન મોત

પાણીગેટમાં બેફામ અને બેદરકાર ડ્રાઇવિંગના કારણે એક નિર્દોષ વૃદ્ધે જીવ ગુમાવ્યો

MailVadodara.com - A-reckless-biker-in-Vadodara-hit-an-elderly-man-while-he-was-walking-he-died-during-treatment

- પરિવારે અકસ્માત સર્જનાર યુવકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી

- પોલીસે આરોપી સુરજ રામશંકર રાજપુત (હાલ રહે. ખંડેરાવ માર્કેટ પાસે, મૂળ ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી

વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશન નજીક બેફામ રીતે જઈ રહેલા બાઈક ચાલકે વૃદ્ધને 15 ફૂટ ઢસડતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત થયું છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી છે. બાઈક ચાલકની પાણીગેટ પોલીસે ધરપકડ કરી છે. બાઈક ચાલક પીધેલી હાલતમાં હતો.


વડોદરાના પાણીગેટ સ્ટેશન પાસેથી એક 60 વર્ષીય વૃદ્ધ રસ્તા પર ચાલતા જઈ રહ્યા હતા ત્યારે પૂરઝડપે આવી રહેલી બાઇકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જનાર બાઇક પર બે યુવકો સવાર હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને સ્થાનિકો અને પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો હતો.

પ્રત્યક્ષદર્શી મોહમ્મદ ઝૈદે જણાવ્યું હતું કે, અકસ્માત ગત મોડી (16 જૂન) સાંજે લગભગ 7.30 વાગ્યે થયો હતો. તેઓ પાણીગેટ પાસે આવેલી સુલેમાની ચાલ તરફ જઈ રહ્યા હતા. તે સમયે બાઇકની સ્પીડ ખૂબ વધારે હતી અને સ્પીડમાં આવીને તેણે ભાઈને અડફેટે લીધા હતા.બાઈક ચાલકને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો છે અને હાલ તે પોલીસની કસ્ટડીમાં જ છે.

બેફામ અને બેદરકાર ડ્રાઇવિંગના કારણે એક નિર્દોષ વૃદ્ધે જીવ ગુમાવ્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અકસ્માતની સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. પરિવારજનોએ અકસ્માત સર્જનાર યુવકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માગ કરી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી સુરજ રામશંકર રાજપુત (હાલ રહે. ખંડેરાવ માર્કેટ પાસે, મુળ રહે- સુબંશ ખેડા ગામ, તા-ભેરામપુર, જી-રાય બરેલી, ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે, વાહન ચાલકો બેફામ રીતે વાહનો ચલાવીને લોકોના અને પોતાના જીવ જોખમમાં મૂકે છે. ઘણા અકસ્માતોમાં લોકોના મોત પણ થાય છે. તેમ છતાં અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે.

Share :

Leave a Comments