લગ્ન કરવા બોલાવી યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો, કાર, ફોન અને પર્સ લૂંટી લેનાર લીવ-ઈન કપલ ઝડપાયું

મેટ્રિમોનિયલ સાઇટ મારફતે લગ્નની વાત કરી યુવકને વડોદરા બોલાવવામાં આવ્યો

MailVadodara.com - Live-in-couple-caught-after-honeytrapping-young-man-by-inviting-him-to-get-married-robbing-him-of-car-phone-and-purse

- યુવકને પહેલીવાર કેફે પર મળ્યા બાદ યુવતીએ બીજીવાર લૂંટનું આયોજન કર્યું હતું

- લૂંટ બાદ આરોપીઓ ઘરે પહોંચતા જ ગોત્રી પોલીસે આરોપી યુવતી પૂનમ ઉર્ફે સોનિયા શર્મા અને તેના પાર્ટનરની ધરપકડ કરી, કાવતરામાં સામેલ પૂર્વ પતિની શોધખોળ શરૂ કરી

મેટ્રિમોનિયલ સાઇટના માધ્યમથી લગ્ન કરવા યુવકને બોલાવીને હની ટ્રેપમાં ફસાવી તેની કાર, ફોન, પર્સની લૂંટ ચલાવવાના કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં લીવ-ઈનમાં રહેનાર યુવક-યુવતી અને યુવતીના પૂર્વ પતિએ આ કાવતરૂં રચ્યું હોવાનો ખુલાસો થયો છે. ગોત્રી પોલીસે લીવ-ઈનમાં રહેનાર યુવક અને યુવતીની ધરપકડ કરી હતી, જ્યારે યુવતીનો પૂર્વ પતિ હજી ફરાર છે. પોલીસે તેની પણ શોધખોળ શરૂ કરી છે.

મૂળ સુરતના અને હાલ થુવાવી રહેતા પ્રિતેશ ગજેરા બિલ્ડરની સાઇટ પર સુપરવાઇઝર છે. તેમના 7 વર્ષ પૂર્વે છુટાછેડા થયા હતા. તેમને બીજા લગ્ન માટે મેટ્રિમોનિયલ સાઇટ પર એકાઉન્ટ બનાવ્યું હતું. મેટ્રિમોનિયલ સાઇટ પર પ્રિતેશનો સોનિયા શર્મા નામની યુવતી સાથે સંપર્ક થયો હતો. 12 જુને સોનિયાએ પ્રિતેશને કોલ કરી વડોદરા મળવા માટે બોલાવ્યો હતો. પ્રિતેશ ભાયલીના વીએફએફ ફુડ કોર્ટ બહાર જતાં સોનિયા આવી હતી અને પ્રિતેશની કારમાં બેસી ગઈ હતી. આ વખતે સોનિયાએ પ્રિતેશને 'ચલો હમ સિટી સાઇડ ઘુમ આતે હૈ' તેમ કહ્યું હતું.

\

સોનિયા પ્રિતેશને રસ્તો બતાવવા લાગી હતી અને તેઓ કારમાં ભાયલીથી નીકળ્યા હતા. કારમાં ફરતી વખતે સોનિયાએ પ્રિતેશને કહ્યું હતું કે, 'મેરે ઘર સે ફોન આ રહા હૈ. યુ ટર્ન લેકે ગાડી સાઈડ મે કરો'. સોનિયા ફોન પર વાત કરતા નીચે ઉતરી હતી. ત્યાં બે ઈસમ આવ્યા હતા અને પ્રિતેશને લૂંટ્યો હતો.

નિલામ્બર સર્કલ પાસેથી ઘડિયાળ સર્કલ તરફ જતાં બે ઈસમ ત્યાં પહોંચ્યા હતા અને કારનો દરવાજો ખોલીને સીધા પ્રિતેશને લાફા માર્યા હતાં. પ્રિતેશને કારમાંથી ઉતારી બાજુની સીટમાં બેસાડી દીધો હતો. પ્રિતેશે આવુ કેમ કરો છો? તેમ પૂછતા તેઓએ શાંતિ સે બૈઠ જા. વરના યહી માર દેંગે તેમ કહ્યું હતું અને એક ઈસમ ડ્રાઈવર સીટ પર બેસી ગયો હતો અને કાર ભગાવી હતી.

કારમાં પ્રિતેશ પાસેથી સોનિયા અને અન્ય ઈસમે તેનો ફોન અને પર્સ ઝુંટવી લીધું હતું. આ વખતે ડ્રાઈવર સીટ પર બેઠેલા ઈસમે કાર ભગાવી હતી. પ્રિતેશ કારમાં બુમાબુમ કરતો હતો. તેણે કાર ચાલકને લાત મારતા કાર ધીમી થઈ ગઈ હતી. આ વખતે પ્રિતેશ કારમાંથી બચીને ઉતરી ગયો હતો. ત્યારબાદ તે દોડીને એક ફ્લેટ તરફ ગયો હતો, પરંતુ ત્યાં તેની કોઈએ પોલીસને ફોન કરવા મદદ કરી નહોતી. બાદમાં તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો.

પોલીસે ભાયલીમાં લીવ-ઇનમાં રહેતા યુવક અને યુવતીને ફ્લેટમાંથી પકડી પાડયા હતા. તેઓ લૂંટ ચલાવી ઘરે પહોંચ્યા હતાં, જ્યારે કાર ભાયલી કેનાલ રોડ પર છોડી હતી. યુવતી લીવ-ઈનમાં રહેતી હતી અને તેણે મેટ્રિમોનિયલ સાઇટ પર એકાઉન્ટ બનાવી કાવતરૂ રચ્યું હતું. તે પ્રિતેશને એકવાર કેફે પર મળી હતી અને બીજીવાર લૂંટનું આયોજન કર્યું હતું.

ગોત્રી પોલીસે ગુનો નોંધીને હનીટ્રેપ કરનાર પૂનમ ઉર્ફે સોનિયા શર્મા (ઉંમર.34) અને દેવેન્દ્ર બાલેશ્વર સિંગ, (ઉંમર.36), (બંને હાલ રહે.એ ટાવર-401, પલ ગાર્ડન ફ્લેટ, વાસણા ભાયલી રોડ, વડોદરા, મુળ રહે.સી-945, મંગોલપુરી કોલોની, વીર બજાર રોડ, ન્યુ દિલ્હી)ની ધરપકડ કરી હતી. જ્યારે ત્રીજો આરોપી પૂનમનો પૂર્વ પતિ વિક્કી શર્મા(રહે, અટલાદરા) હોવાનું બહાર આવ્યું છે, જોકે તે ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

Share :

Leave a Comments