- બંને આરોપી સામે અગાઉ ચોરી, ઘરફોડ ચોરી, મારામારી સહિતના અનેક ગુના નોંધાયેલા છે
- આરોપીઓ પાસેથી ચોરીમાં વપરાયેલી બાઇક સહિત 35,400નો મુદ્દામાલ જપ્ત કરાયો
શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ દર્શનમ ટ્રેડ સેન્ટર-3માં આવેલી જીવન ઓઇલ વર્લ્ડ દુકાનમાંથી તેલના ડબ્બાની ચોરી કરનાર બે શખ્સોને સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે અને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીના બે તેલના ડબ્બા અને ચોરીમાં વપરાયેલી બાઇક સહિત કુલ રૂ.35,400નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગત 13 જૂન, 2026ના રોજ બપોરે 12.30થી 1 વાગ્યાના અરસામાં બે શખ્સો બાઈક પર જીવન ઓઇલ વર્લ્ડ દુકાન પાસે આવ્યા હતા. જેમાંથી એક શખ્સ દુકાનમાં પ્રવેશી કોઈને જાણ કર્યા વિના તેલનો ડબ્બો ઉઠાવી બહાર આવ્યો હતો. ત્યારબાદ તેણે રોડ પર ઉભેલા તેના સાથીની મોટરસાયકલ પર તેલનો ડબ્બો મૂકી બંને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના દુકાનમાં હાજર ભગવાનભાઈએ નિહાળી હતી. બનાવ અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

સયાજીગંજ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન ડેરીડેન સર્કલ નજીક ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે ચોરીમાં સંડોવાયેલા ઓમવીર અને રાજ સુર્યા પેલેસ હોટલ સામે આવેલા અંબેમાતા મંદિર પાસે ઉભા છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન બંનેએ તેલના ડબ્બાની ચોરીની કબૂલાત કરતાં તેમની ધરપકડ કરી હતી.
પકડાયેલા આરોપીઓમાં ઓમવીર સતપાલસિંહ ઠાકુર (ઉ.વ. 26, રહે. બાજવાડા, વડોદરા) તથા રાજ ઉર્ફે રાજકુમાર ભરતભાઈ દરબાર (ઉ.વ. 23, રહે. ઇમામપુરા, વારસિયા, વડોદરા) પાસેથી ચોરીના બે તેલના ડબ્બા કિંમત રૂ.5,400 તથા ચોરીમાં વપરાયેલી બાઇક સહિત કુલ રૂ.35,400નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ સામે અગાઉ પણ ચોરી, ઘરફોડ ચોરી, મારામારી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. આરોપી ઓમવીર સામે સયાજીગંજ, રાવપુરા, મકરપુરા અને વાડી પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે રાજ ઉર્ફે રાજકુમાર સામે સિટી, માંજલપુર, કારેલીબાગ, સયાજીગંજ, રાવપુરા, મકરપુરા અને વાડી પોલીસ મથકોમાં વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.


