બેંગ્લોર ગયેલા દંપતીના બંધ ઘરમાંથી તિજોરી તોડી સોના-ચાંદી અને રોકડ સહિત 1.80 લાખની ચોરી

અકોટા વિસ્તારમાં રહેતા નિવૃત્ત વૃદ્ધ તેમના પત્ની સાથે બેંગ્લોરમાં રહેતા દીકરા પાસે ગયા હતા

MailVadodara.com - 1-80-lakhs-including-gold-silver-and-cash-stolen-from-the-safe-of-a-couple-who-had-gone-to-Bangalore

- તસ્કરો તિજોરીના લોકરનું તાળું તોડી સોનાના દાગીના, ચાંદીની લગડી અને રોકડ મળી કુલ 1.80 લાખની માલમત્તાની ચોરી કરી ફરાર, પાડોશીએ ખુલ્લો દરવાજો જોઈ જાણ કરી

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રહેતા નિવૃત્ત વૃદ્ધ તેમના પત્ની સાથે દીકરા પાસે બેંગ્લોર ગયા, ત્યારે તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં રાખેલી તિજોરીના લોકરનું તાળું તોડીને અંદર રહેલા સોનાના દાગીના, ચાંદીની લગડી અને રોકડ રકમ મળી કુલ 1.80 લાખ રૂપિયાની માલમત્તાની ચોરી કરી તસ્કરો ભાગી ગયા હતા. પડોશીએ ઘરનો દરવાજો ખુલ્લો હોવાનું ધ્યાનમાં આવતા પરિવારને જાણ કરી હતી.

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલ માધવબાગ નજીક કૃષ્ણ શાંતિ સોસાયટીમાં રહેતા 67 વર્ષીય મહેશભાઈ રમેશચંદ્ર પંડ્યાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેઓ અને તેમની પત્ની 29 મેના રોજ બેંગ્લોર ખાતે રહેતા પુત્ર દેવલ પાસે ગયા હતા. આ દરમિયાન ઘરના ફૂલછોડની સંભાળ માટે એક પરિચિત મહિલાને જવાબદારી સોંપવામાં આવી હતી. 12 જૂનની સાંજે તેઓ ફૂલછોડને પાણી આપી ગયા બાદ બીજા દિવસે સવારે પડોશી શીખાબેન શાહે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો અને તાળું તૂટેલું હોવાનું જોઈ મહેશભાઈની પત્નીને જાણ કરી હતી.

ત્યારબાદ પરિવારજનોએ ઘરે પહોંચી તપાસ કરતાં મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો તેમજ ઘરના સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. બેડરૂમમાં રહેલી તિજોરીનું લોકર તોડી અંદરથી 15 ગ્રામ વજનની સોનાની ચેઇન, 500 ગ્રામ વજનની ચાંદીની લગડી અને 10 હજાર રૂપિયા રોકડ મળી કુલ 1.80 લાખ રૂપિયાની માલમત્તા ગાયબ હતી. આ બનાવ અંગે પોલીસે અજાણ્યા ચોરો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments