- વિદેશ અભ્યાસ, લોન સહાય અને NCS રજીસ્ટ્રેશન અંગે માર્ગદર્શન આપવામાં આવશે
- ધોરણ 10 (SSC), ધોરણ 12 (HSC), ITI (તમામ ટ્રેડ), ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા તેમજ 18 થી 35 વર્ષની વય મર્યાદાવાળા ઉમેદવારો ભાગ લઈ શકશે
વડોદરાના શિક્ષિત બેરોજગાર યુવાનો માટે રોજગારી મેળવવાની શાનદાર તક સામે આવી છે. મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, તરસાલી દ્વારા આગામી 8 મે, 2026ના રોજ એક વિશાળ રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આશરે 135થી વધુ ખાલી જગ્યાઓ માટે સીધા ઇન્ટરવ્યુ લેવામાં આવશે. આ ભરતી મેળો 8 મે, 2026ના રોજ સવારે 10 કલાકે આઈટીસી (ITC) બિલ્ડિંગ, આઈટીઆઈ (ITI) કેમ્પસ, તરસાલી, વડોદરા ખાતે યોજાશે. જેમાં ધોરણ 10 (SSC), ધોરણ 12 (HSC), ITI (તમામ ટ્રેડ), ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા તેમજ 18 થી 35 વર્ષની વય મર્યાદાવાળા ઉમેદવારો ભાગ લઈ શકશે.
આ મેળામાં અંદાજે 7 જેટલા નામી નોકરીદાતાઓ ભાગ લેશે અને સ્ટોર એક્ઝિક્યુટિવ, કસ્ટમર એક્ઝિક્યુટિવ, CNC ઓપરેટર, મશીન ઓપરેટર, ક્વોલિટી ચેકર, ટેલીકોલર, ઇલેક્ટ્રોનિક ટેકનિશિયન, વાયરમેન તેમજ PLC પ્રોગ્રામર જેવા વિવિધ પદો માટે ઉમેદવારોની પસંદગી કરશે. ઉપરાંત ઉમેદવારોને કારકિર્દી માર્ગદર્શન પણ આપવામાં આવશે, જેમાં વિદેશ અભ્યાસ માટે સેફ લીગલ માઈગ્રેશન અંગેની માહિતી, સરકારી યોજના તરીકે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ (PMIS) અને સ્વરોજગાર લોન સહાય અંગે માર્ગદર્શન, તેમજ અનુબંધમ અને NCS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સમજ આપવામાં આવશે. સાથે જ ધોરણ 10 અને 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પોની માહિતી પણ આપવામાં આવશે.
રસ ધરાવતા ઉમેદવારોએ પોતાના બાયોડેટા (Resume)ની 3 નકલ સાથે સ્વખર્ચે નિયત સમયે હાજર રહેવાનું રહેશે. મદદનીશ રોજગાર નિયામક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ સમગ્ર ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને ઉમેદવાર કે નોકરીદાતા પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી.


