અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના આશ્રય બંગ્લોઝમાં રહેતા રીતેશભાઈ દશરથભાઈ પટેલ (ઉં.વ.42)એ બાપોદ પોલીસ સ્ટેશનમાં વડોદરાના વિઝા એજન્ટ અજીતસિંહ બ્રિજલાલ જાટ સામે 3 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બાપોદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની શોધખોળ શરૂ કરી છે.
કેનેડા વર્ક પરમિટ માટે રીતેશભાઈ પટેલ છ વર્ષ પહેલાં વડોદરા ખોડિયારનગર વિસ્તારમાં આવેલી અજીતસિંહ જાટની ઓફિસના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ નવેમ્બર 2023માં રિતેશભાઈને પોતે, પત્ની દીપ્તીબેન, દીકરી વિધીબેન તથા દીકરી હારીકાને કેનેડા વર્ક પરમિટ અને ડિપેન્ડન્ટ વિઝા પર મોકલવા અજીતસિંહની નવી ઓફિસ એસ્ટર મેગ્નેટ વિઝા સોલ્યુશન્સ એલએલપી (રહે. ક્રિષ્ના પ્લેટિના, ખોડિયારનગર, વડોદરા) ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી.
અજીતસિંહે કુલ 18.50 લાખ રૂપિયાની ફી સ્ટેજ વાઈઝ લેવાનું કહ્યું હતું અને 6 મહિનામાં વિઝા પ્રોસેસ પૂર્ણ કરી આપવાની ખાતરી આપી હતી. આ માટે 5 નવેમ્બર, 2023ના રોજ નોટરી સમક્ષ કરાર કરવામાં આવ્યો હતો. કરાર મુજબ શરૂઆતમાં 3 લાખ રૂપિયા 1થી 3 નવેમ્બર 2023 દરમિયાન રીતેશભાઈના બેંક એકાઉન્ટમાંથી અજીતસિંહના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. કરારમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, વિઝા ન મળે તો સંપૂર્ણ રકમ પરત કરવામાં આવશે.
જોકે, અજીતસિંહે વર્ક પરમિટની પ્રોસેસિંગ કરવાને બદલે ચારેય વ્યક્તિઓની ટુરિસ્ટ વિઝા એપ્લિકેશન ઓનલાઈન સબમિટ કરી અને તેની ફી તરીકે 655 કેનેડિયન ડોલર તથા ડિગ્રી વેરિફિકેશન માટે વર્લ્ડ એજ્યુકેશન સર્વિસિસમાં 275 કેનેડિયન ડોલર ભર્યા હતા. 25 જાન્યુઆરી, 2024ના રોજ કેનેડા સરકારે ઈન્ટેન્શન ઈઝ નોટ પ્રોપરના કારણે ચારેયના વિઝા રદ કર્યા હતા. આ જાણ થતાં રીતેશભાઈએ પૈસા પરત માંગ્યા ત્યારે અજીતસિંહે યશ બેંકના ખાતાનો 3 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો, જે બેંકમાં જમા કરાવતા ઈનસફિશિયન્ટ ફંડના કારણે ડિઝઓનર થયો હતો.
ત્યારબાદ અજીતસિંહે ફાઈલ પ્રોસેસમાં પૈસા ખર્ચાઈ ગયા છે, થોડો સમય આપો, જેવી બહાનાબાજી કરી હતી અને હવે રૂપિયા પરત આપવાનું ટાળે છે. વિઝા એજન્ટ અજીતસિંહ બ્રીજલાલ જાટે પાકો ભરોસો આપી કરાર કરી 3 લાખ રૂપિયા લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાથી રીતેશભાઈએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બાપોદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


