- બાપોદ પોલીસ દ્વારા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો
વડોદરા શહેરના બાપોદ પોલીસ મથક હદ વિસ્તારમાં વાઘોડિયા રોડ કેવલનગર વુડાના મકાનમાં રહેતા અને ખાનગી કંપનીમાં વર્કર તરીકે કામ કરતા યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવને લઈ બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના વાઘોડિયા રોડ પર કેવલનગર વુડાના મકાનમાં ભાડે રહેતા અને ખાનગી કંપનીમાં વર્કર તરીકે નોકરી કરતા શૈલેષભાઈ રાઠવા ( ઉંમર વર્ષ 25) મૂળ છોટાઉદેપુરના યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ પોલીસને કરતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બાપોદ પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી પરિવારજનોને સોંપવામાં આવ્યો છે અને ઉદયપુર ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ યુવકના આપઘાતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ખાનગી કંપનીમાં નોકરી કરતા અને મિત્રો સાથે રહેતા યુવકે અચાનક આ પગલું શા માટે ભર્યું હશે?તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસને યુવક પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી સાથે અંતિમ ચિઠ્ઠી પણ મળી નથી. ત્યારે આ યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું છે તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.


