- 23.72 લાખ લોકોનું સ્ક્રીનિંગ કરાયું, 8,778 શંકાસ્પદ દર્દીઓની તપાસ હાથ ધરાઈ
- આશા કાર્યકરો અને આરોગ્ય કર્મચારીઓએ ઘર મુલાકાત લીધી, મલ્ટીબેસિલરીના 46 અને પોસીબેસિલરીના 49 કેસ નોંધાયા, લક્ષણો જણાય તો વહેલી સારવાર માટે લોકોને અપીલ
રક્તપિત્ત (કુરોગ) સંપૂર્ણપણે સારવારથી મટી શકે એવો રોગ હોવા છતાં ઘણા દર્દીઓ સારવાર નહીં કરાવતા હોવાના કારણે તેઓને આ રોગથી કાયમી ખોડખાપણ રહી જાય છે. દર્દીઓ વહેલીતકે સારવાર લે, તે માટે નવા દર્દીઓ શોધવાના હેતુથી વડોદરા જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઈન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નવા ૯૫ દર્દીઓ મળી આવ્યા હતા.
આરોગ્ય વિભાગ દ્વારા ૮ જૂનથી ૩૦ જૂન દરમિયાન ચાલેલા આ અભિયાન દરમિયાન કુલ ૨૩,૭૨,૭૭૮ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જે પૈકી ગ્રામ્ય વિસ્તારમાં ૧૩,૬૩,૨૮૨ લોકો અને વડોદરા કોર્પોરેશનના વિસ્તારમાં ૧૦,૦૯,૪૯૬ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ૮,૭૭૮ શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યા હતા. જે પૈકી ૫,૮૧૯ ગ્રામ્ય અને ૨,૯૫૯ શહેરી વિસ્તારના દર્દી હતા. જ્યારે ૫,૦૫, ૩૧૩ ઘરોની મુલાકાત લેવામાં આવી હતી.
તપાસ બાદ કુલ ૯૫ નવા દર્દીઓ મળી આવ્યા હતા. તેમાં મલ્ટીબેસિલરી (વધુ ચેપવાળા) પ્રકારના ૪૬ દર્દીઓ હતા. તૈ પૈકી ૩૬ ગ્રામ્ય અને ૧૦ શહેરી વિસ્તારના છે. જ્યારે પોસીબેસિલરી (ઓછા ચેપવાળા) પ્રકારના ૪૯ દર્દીઓ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા હતા.શહેરી વિસ્તારમાં પોસીબેસિલરી પ્રકારનો કોઈ નવો કેસ નોંધાયો નહોતો. આ અભિયાનના પરિણામો દર્શાવે છે કે હજી પણ નવા દર્દીઓ મળી રહ્યા છે.
શરીર પરના ડાઘ, સંવેદનશૂન્યતા અને અન્ય લક્ષણોની તપાસ
ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આશા કાર્યકરો, મહિલા આરોગ્ય કર્મચારીઓ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરો અને તબીબી અધિકારીઓએ ઘરે-ઘરે જઈને લોકોના શરીર પરના ડાઘ, સંવેદનશૂન્યતા અને અન્ય લક્ષણોની તપાસ કરી હતી. શંકાસ્પદ કેસોને વધુ તપાસ માટે રિફર કરવામાં આવ્યા હતા.આરોગ્ય કર્મચારીઓએ લોકોને સમજાવ્યું હતું કે રક્તપિત્ત વારસાગત રોગ નથી, સ્પર્શથી તરત ફેલાતો નથી અને તેની અસરકારક મફત સારવાર ઉપલબ્ધ છે.
રક્તપિત્તના દર્દીઓમાં દેખાતા લક્ષણો
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જો શરીર પર આછો અથવા સફેદ ડાઘ, ડાઘ પર સ્પર્શની સંવેદના ઓછી થવી, હાથ-પગમાં ઝણઝણાટી, નસ જાડી લાગવી અથવા લાંબા સમય સુધી ન ભરાતો ઘા જેવા લક્ષણો જોવા મળે તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ.


