- આરોપીઓએ મહિલાને તમારા દીકરાને મોટું સંકટ આવવાનું છે, હાથમાં પહેરેલું સોનું લક્ષ્મીનું સ્વરૂપ છે, તે અમને આપશો તો લક્ષ્મીના દર્શન થશે તેમ કહી બે સોનાની બંગડીઓ અને એક વીંટી ઉતરાવી લઇ 51 ડગલા ચાલો તેમ કહીને બાઇક પર ફરાર થઈ ગયા હતા
- નંબર પ્લેટ વગરની બાઇક પર ફરતો શંકાસ્પદ ઝડપાયો, ઉત્તરાખંડથી ઠગાઈ કરવા આવ્યો હોવાનું ખુલ્યું, પોલીસે આરોપી પાસેથી 3.71 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો
વડોદરા શહેરમાં સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી ધાર્મિક વાતો અને અંધશ્રદ્ધાનો સહારો લઈ સોનાના દાગીના પડાવી લેતી ગેંગના એક આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રૂ. 3.71 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે તેનો સાગરીત હજુ ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરી છે.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, સિનિયર સિટીઝન મહિલાઓને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી સોનાના દાગીના પડાવી લેતી ગેંગ નંબર પ્લેટ વગરની બાઇક પર વડોદરા શહેરમાં ફરી રહી છે. બાતમીના આધારે શહેરમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન આજવા ચોકડી રાત્રી બજાર નજીક નંબર પ્લેટ વગરની બાઇક પર આવી રહેલા એક શંકાસ્પદ વ્યક્તિને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં આરોપી સાદકહસન અલીમુદ્દીન દીનમહંમદ શા (ફકીર) (રહે. ઉત્તરાખંડ) હોવાનું જાણવા મળ્યું હતું.
આરોપીની ટ્રાવેલિંગ બેગની તપાસ દરમિયાન બે સોનાની બંગડીઓ, એક સોનાની વીંટી, વિવિધ ગ્રહોના 19 પથ્થરના નંગ, મોબાઇલ, રોકડ રકમ અને અન્ય સામાન મળી આવ્યો હતો. દાગીના અંગે કોઈ આધાર પુરાવો કે ખરીદીના બિલ રજૂ કરી શક્યો ન હોવાથી પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો હતો.
તપાસ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે, 26 જુલાઈના રોજ રાવપુરા વિસ્તારના લાલકોર્ટ પાસે આવેલા પીપળેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા આવેલી એક વૃદ્ધ મહિલાને તેણે અને તેના સાગરીત ઇલ્યાસમહમંદ હકીમીએ નિશાન બનાવી હતી. આરોપીઓએ મહિલાને તમારા દીકરાને મોટું સંકટ આવવાનું છે, હાથમાં પહેરેલું સોનું લક્ષ્મીનું સ્વરૂપ છે, તેને અમને આપશો તો લક્ષ્મીના દર્શન થશે તેવી વાતોમાં ફોસલાવી હતી તેમના હાથમાંથી બે સોનાની બંગડીઓ અને એક વીંટી ઉતરાવી લીધી હતી અને 51 ડગલા ચાલો તેમ કહીને બાઇક પર ફરાર થઈ ગયા હતા. બંને આરોપી ઉતરાખંડ થી મુંબઈ, સુરત થી વડોદરા આવ્યા હતા. મુંબઈ અને સુરતમાં વરસાદ હોવાથી તેઓ વડોદરા ઠગાઈ કરવાના ઇરાદે આવ્યા હતા.
આ બનાવ અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પકડાયેલા આરોપીનો સાગરીત ઇલ્યાસમહમંદ નઝરુદ્દીન હકીમી હાલ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે. પોલીસે આરોપી પાસેથી 3.71 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં બે સોનાની બંગડીઓ, એક સોનાની વીંટી, હોન્ડા શાઇન મોટરસાયકલ, મોબાઇલ ફોન, રોકડ રકમ તથા વિવિધ પથ્થરના નંગનો સમાવેશ થાય છે.
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આરોપીઓ ખાસ કરીને એકલા મળતા સિનિયર સિટીઝન નાગરિકોને ટાર્ગેટ કરતા હતા. તેઓ અંધશ્રદ્ધા અને ધાર્મિક વાતોનો સહારો લઈને ભોગ બનનારને વિશ્વાસમાં લઈ તેમના સોનાના દાગીના ઉતરાવી ઠગાઈ આચરતા હતા. પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલા આરોપી અને તેના સાગરીત સામે અગાઉ બિહારના નવાડા પોલીસ સ્ટેશનમાં પણ સંગઠિત ગુનાનો કેસ નોંધાયેલ હોવાનું બહાર આવ્યું છે. હાલમાં પોલીસે ફરાર આરોપીની શોધખોળ તશરૂ કરી છે અને આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.


