- કલાલી ખાતે ગરબા રમવા ગયો હતો પરિવાર, દીપક રવજીભાઈ પ્રજાપતિએ નોંધાવી ફરિયાદ
વડોદરાના ઇલોરાપાર્ક વિસ્તારમાં આવેલા અખંડદીપ ટેનામેન્ટમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ. 8.90 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પરિવાર ગરબા રમવા માટે બહાર ગયો હતો ત્યારે તસ્કરોએ મકાનના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. સવારે પાડોશીએ જાણ કરતાં પરિવારને ચોરીની ઘટના અંગે ખબર પડી હતી.
વડોદરા શહેરના ઇલોરાપાર્કના આત્મજ્યોતિ આશ્રમ રોડ પર આવેલા બી/8, અખંડદીપ ટેનામેન્ટમાં રહેતા 31 વર્ષીય દીપક રવજીભાઈ પ્રજાપતિ આત્મજ્યોતિ આશ્રમ પાસે આવેલી પોતાની દીપક સ્ટોર નામની નોવેલ્ટીની દુકાન ચલાવે છે. ગત 17 ઓક્ટોબરની રાત્રે આશરે સાડા દસ વાગ્યે દીપકભાઈ પત્ની અને બાળકો સાથે કલાલી ખાતે ગરબા રમવા ગયા હતા. તેમનો મોટો ભાઈ કાનજીભાઈ પણ ગરબા જોવા માટે બહાર ગયો હતો. પરિવારના સભ્યો મકાનને તાળું મારીને નીકળ્યા હતા.
18 ઓક્ટોબરની વહેલી સવારે પરિવાર ઘરે પરત ફર્યો હતો અને સૂઈ ગયો હતો. સવારે આશરે છ વાગ્યે પાડોશમાં રહેતાં મારુતીબેન ધવલભાઈ પટેલે ફોન કરીને મકાનના દરવાજાનો નકુચો તૂટેલો હોવાનું જણાવ્યું હતું. જેથી પરિવારજનોએ તપાસ કરતાં ઘરમાં સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. કબાટનું લોક તૂટેલું હતું અને તેમાં રાખેલી પતરાની પેટીમાંથી રોકડા રૂ. બે લાખ, આશરે 30 ગ્રામનાં બે સોનાનાં મંગળસૂત્ર, 19 ગ્રામની સોનાની બાજુબંધ, સોનાની ચાર વીંટી, બે જોડી સોનાની બુટ્ટી તથા આશરે 750 ગ્રામ ચાંદીના દાગીના અને અન્ય ચીજવસ્તુઓ ગાયબ હતી.ચોરી થયેલા સોના-ચાંદીના દાગીના અને રોકડની કુલ કિંમત આશરે રૂ. 8.90 લાખ ની ચોરીની ફરિયાદ દીપક રવજીભાઈ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરીના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


