ઇન્વેસ્ટમેન્ટના નામે 35.30 લાખની ઠગાઈમાં 3 યુવક પકડાયા, ઠગોના ખાતામાં 8 કરોડના ટ્રાન્જેક્શન થયા

શેરમાર્કેટમાં નફાની લાલચ આપી ઠગતી આંતરરાજ્ય ગેંગના 3ને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપાયા

MailVadodara.com - 3-youths-caught-in-fraud-of-Rs-35-30-lakh-in-the-name-of-investment-transactions-worth-Rs-8-crore-were-made-in-the-accounts-of-the-fraudsters

- આરોપીઓ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ, ટેલિગ્રામ અને યુટ્યુબ પર લોભામણી જાહેર ખબરો દ્વારા લોકોને આકર્ષતા હતા પછી બનાવટી એપ-વેબસાઇટ પર રોકાણ કરાવતા હતા

શેર માર્કેટમાં રોકાણના નામે લાલચ આપીને લોકોને છેતરતી આંતરરાજ્ય ટોળકીના ત્રણ સભ્યોને વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓએ નકલી ફર્મ બનાવીને તેના નામે બેંક ખાતાં ખોલાવ્યા હતા અને તેમાંથી કરોડો રૂપિયાની છેતરપિંડીના નાણાંની હેરફેર કરી હતી. આ ગુનામાં સંડોવાયેલા અને અભ્યાસ બાદ નોકરી કરતા યુવાઓ દ્વારા લોકોને છેતરવાનો આ કારસાનો પર્દાફાશ થયો છે, જેમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.


સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદીને અજાણ્યા નંબર પરથી વ્હોટ્સએપ પર શેર માર્કેટ ટ્રેડિંગના ગ્રુપમાં જોડાવા માટે લિંક મોકલવામાં આવી હતી. ગ્રુપમાં ટ્રેડિંગ ટિપ્સ આપવામાં આવતી હતી. જે બાદ ફરિયાદીને બનાવટી વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવીને અલગ-અલગ ખાતાઓમાં ટુકડે ટુકડે રૂ. 36.50 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. વિશ્વાસ વધારવા માટે રૂ. 1.20 લાખ પ્રોફિટ તરીકે પરત પણ કરવામાં આવ્યા હતા. વેબસાઇટમાં અનેકગણું રિટર્ન બતાવવામાં આવ્યું, પરંતુ વિથડ્રો કરવા જતાં પૈસા મળ્યા ન હતા. જેથી ફરિયાદી સાથે કુલ રૂ. 35.30 લાખની છેતરપિંડી થઈ હતી.

આ ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસ મથકના PI જે.ડી.પરમાર અને ટીમે આરોપીઓની ધરપકડ અને તપાસ અર્થે ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લેતા આરોપીઓનું લોકેશન વાવ-થરાદ (બનાસકાંઠા) અને રાજકોટમાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ ટીમે દરોડો પાડીને આરોપી જયરાજ મધુભાઇ ખુમાણ (ઉં. 29, અભ્યાસ બી.એસ.સી., ધંધો નોકરી રહે નિલસ સિટી, યુનિવર્સિટી રોડ, રાજકોટ), સિધ્ધરાજ રાહજીભાઈ રાઠોડ (ઉં. 25, અભ્યાસ બી.ટેક., ધંધો વેપાર, રહે અયોધ્યાનગર સોસાયટી, દીયોદર, વાવ-થરાદ) અને ધ્રુપલભાઇ દિનેશભાઇ પટેલ (ઉં. 29, અભ્યાસ બી.સી.એ., ધંધો નોકરી રહે. 317, અસ્થાનજી કંપાઉન્ડ, સુરત)ને ઝડપી લીધા હતા. તપાસમાં આરોપીઓના ખાતામાંથી કુલ રૂ.8 કરોડથી વધુના ફ્રોડના નાણાંની હેરફેર થયાનું બહાર આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આરોપી જયરાજના ખાતામાં ફરિયાદીના રૂ. 1.70 લાખ ટ્રાન્સફર થયા હતા. આ સાથે સિદ્ધરાજ અને ધ્રુપલે આ ખાતું ફ્રોડના નાણાં ટ્રાન્સફર માટે વાપર્યું અને પછી સહઆરોપીઓને સોંપી દીધું હતું. આ ગુનામાં આરોપીઓ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ, ટેલિગ્રામ અને યુટ્યુબ પર લોભામણી જાહેર ખબરો દ્વારા લોકોને આકર્ષતા હતા. વ્હોટ્સએપ ગ્રુપમાં ટિપ્સ આપીને વિશ્વાસ કેળવ્યા પછી બનાવટી એપ અને વેબસાઇટ પર રોકાણ કરાવતા હતા. મોટું પ્રોફિટ બતાવીને વધુ પૈસા પડાવી લેતા અને પછી સંપર્ક તોડી નાખતા હતા.

Share :

Leave a Comments