દૂધવાળા મહોલ્લામાં જર્જરિત મકાન પડતાં 3 વાહનો દબાયા, ફાયર વિભાગની તાત્કાલિક કામગીરી

વડોદરાના ન્યાય મંદિર વિસ્તારમાં સવારે જર્જરિત મકાન અચાનક ધરાશાયી, જાનહાનિ ટળી

MailVadodara.com - 3-vehicles-crushed-after-dilapidated-building-collapses-in-Dudhwala-Moholla-fire-department-takes-immediate-action

- લાંબા સમયથી ખાલી અને જર્જરિત મકાન અંતે ધરાશાયી થયું, વિવાદના કારણે મકાન ન ઉતરાયું!!


વડોદરા શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં આવેલ દૂધવાળા મહોલ્લામાં સવારે અચાનક એક જર્જરિત મકાન ધરાશાયી થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મકાન ધરાશાયી થતા બે થી ત્રણ વાહનો અને સાયકલ દટાઈ હતી. આ મકાન કેટલાક સમયથી જર્જરિત હતું અને ત્યાં કોઈ રહેતું ન હતું. મકાન માલિક અને તેના પરિવારમાં વિવાદોના કારણે આ મકાન ઉતરવામાં આવ્યું ન હતું. જેના કારણે આખરે આજે તે ધરાશાયી થયું હતું.


મકાન ધરાશાયી થતા જ ધડાકાભેર અવાજ સંભળાયો હતો. જેના કારણે આસપાસના લોકો બહાર દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં વીજ વિભાગ, ગેસ વિભાગ અને નિર્ભયતા શાખાને જાણ કરી વધુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદ નસીબે જાનહાનિ ટળી છે.


આ અંગે બદામડીબાગ ફાયર વિભાગના સ્ટેશન ઓફિસર પ્રતાપ ડામોરે જણાવ્યું હતું કે, ન્યાય મંદિર દૂધવાળા મહોલ્લામાં મકાન પડ્યું હોવાની વિગતો મળતા અમારી ટીમ તાત્કાલિક આવી ગઈ હતી. અહીંયા ત્રણ માળના મકાન બાંધકામની કામગીરી ચાલી રહી છે તેની બાજુમાં આવેલ મકાન ધરાશાયી થયું છે. હાલમાં ગેસ વિભાગ, નિર્ભયતા શાખા અને વીજ કંપનીની ટીમ બોલાવી લેવામાં આવી છે. હાલમાં જાનહાનિ થઈ નથી પરંતુ ત્રણ જેટલા વાહનો દબાયા છે.


આ વિસ્તારમાં જર્જરિત મકાનના માલિક મહોમ્મદ હુસૈને જણાવ્યું હતું કે, આ જર્જરીત હતું તે અંગેની જાણ અમે લગત વિભાગને જાણ કરી હતી. આ બાબતે મારા કાકાનો દીકરો મકાન ઉતરવા દેતો ન હતો. જેના કારણે આ ઘટના બની છે. સામેના મકાનને થોડું નુકસાન થયું છે અને કેટલાક વાહન દબાયા છે. અમે અમારી બધી કોશિશ કર્યા હતી, જર્જરિત થતા તે પડી ગયું છે.

Share :

Leave a Comments